Silver Price Hike Reason: ચાંદીએ મંગળવારે એવો ઉછાળો માર્યો છે કે રોકાણકારો અને માર્કેટ બંનેના ધબકારા વધી ગયા છે. MCX(મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ) પર 6 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ ચાંદીની કિંમતમાં 3.85 ટકા એટલે કે 9,562 રૂપિયાની મોટી છલાંગ જોવા મળી, જેથી એક કિલો ચાંદીના ભાવ સીધા 2,56,450 રૂપિયા સુધી પહોંચી ગયા, આ ઉછાળાથી ચાંદી ઓલ ટાઈમ હાઇ થઈ ગઈ છે.
નીચલું સ્તર 2,46,888 રૂપિયા રહ્યું
બાદમાં થોડા સમય પછી ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો હતો, જે પછી ચાંદી કિલો 2,55,248 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહી હતી, દિવસ દરમિયાન કારોબારનું સૌથી નીચલું સ્તર 2,46,888 રૂપિયા રહ્યું જ્યારે આગળના દિવસે ચાંદી 2,46,155 રૂપિયાના કારોબાર સાથે બંધ થઈ હતી.
અચાનક કિંમત વધવાનું કારણ શું?
માર્કેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ, ચાંદીના ભાવમાં વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. વૈશ્વિક માર્કેટમાં ડોલર કમજોર પડી રહ્યો છે. જેથી કિંમતી ધાતુઓની માંગમાં વધારો થયો છે. અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરોમાં કાપ મુકાય તેવી શક્યતાઓ છે જેથી રોકાણકારો સમજી વિચારીને ધાતુમાં રોકાણ કરી 'સેફ હેવન' (પૈસા સુરક્ષિત રહે તેવી જગ્યાએ રોકાણ કરવું) તરફ વધારે ઝોક રાખ્યો.
ચાંદીના ભાવમાં સુનામી
આ ઉપરાંત સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો, અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં ચાંદીનો મજબૂત ઉપયોગ થઈ રહ્યો છે, જેથી રોકાણ ઉપરાંત ઉદ્યોગિક માંગમાં પણ બમ્પર વધારો આવ્યો છે. બીજી તરફ સોનામાં આવેલી તેજીની અસરથી પણ લોકો ચાંદી તરફ વળ્યા છે. કારણ કે મોટા ભાગે બંને ધાતુઓ સાથે સાથે ચાલે છે. તમામ વસ્તુઓ મળીને સપ્લાય અંગે માંગ બંને મજબૂત થતાં ચાંદીના ભાવમાં સુનામી આવી છે.
ચાંદીમાં વધારા પાછળના મહત્ત્વના કારણો
1. પુરવઠામાં ઘટાડો: વૈશ્વિક સ્તરે ચાંદીનો પુરવઠો ઘટી રહ્યો છે. COMEX રજિસ્ટર્ડ રિઝર્વ 2020ની સરખામણીએ લગભગ 70% ઘટી ગયા છે.
2. ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય હાઇ-ટેક ઉદ્યોગોમાં ચાંદીની માંગ ખૂબ મજબૂત રહી.
3. ચીનના નવા નિયમો: જાન્યુઆરી 2026થી ચીન ચાંદીના નિકાસ પર કડક નિયમો લાગુ કરવાનું છે, જેથી ભવિષ્યમાં પુરવઠા પર દબાણ વધવાની શંકા છે.
વર્ષ 2026માં ચાંદીનું ભવિષ્ય શું?
વૈશ્વિક નાણાકીય સંસ્થા Mirae Asset જેવી સંસ્થાઓ નવા રોકાણકારોને ચાંદીમાં મોટું રોકાણ કરવાની સલાહ આપતી નથી. તેનું કારણ એ છે કે, 2025 જેવું ભવ્ય વળતર 2026માં મળવાની શક્યતા ઓછી છે. ચાંદીના ભાવમાં સ્થિરતા અથવા સુધારો આવી શકે છે. જેઓ લાંબા ગાળા માટે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, તેઓ માટે આ સમય ભાવ ઘટ્યા પછી ખરીદી કરવા અથવા નફો બુક કરવાનો પણ હોઈ શકે છે.


