Get The App

મુંબઈમાં ચાંદીનો પૂરવઠો વધતા બે દિવસમાં રૂ.10,000 તૂટયા: સોનામાં મક્કમ વલણ

- વિશ્વ બજારમાં સેફ હેવન માગ જળવાતા કિંમતી ધાતુમાં આગેકૂચ

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં  ચાંદીનો પૂરવઠો વધતા બે દિવસમાં રૂ.10,000 તૂટયા: સોનામાં મક્કમ વલણ 1 - image


મુંબઈ : અમેરિકામાં શટ ડાઉન લાંબુ ચાલતા તથા ડોલરમાં નબળાઈ જળવાઈ રહેતા  વિશ્વ બજારમાં સોનાચાંદી સહિત કિંમતી ધાતુના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો પરંતુ ઘરઆંગણે દિવાળી પહેલા હાજરમાં ચાંદીનો પૂરવઠો વધી જતા મુંબઈ ચાંદી બે દિવસમાં રૂપિયા ૧૦,૦૦૦ તૂટી ગઈ હતી.   સોનામાં સ્થિરતા જોવા મળી હતી. બીજી બાજુ  કસ્ટમ્સ ડયૂટીની ગણતરી માટે નિશ્ચિત કરાતી ટેરિફ વેલ્યુમાં જોરદાર વધારો કરવામાં આવ્યો છે, જેને પરિણામે કિંમતી ધાતુની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જશે. રશિયા સામે વધી રહેલી સખતાઈને પરિણામે ક્રુડ તેલના ભાવ ટકી રહ્યા હતા. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર ભાવ ૧,૨૭,૪૭૧ મુકાતો હતો. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૩૧,૨૯૩ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૨૬,૯૬૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ બુધવારની સરખામણીએ રૂપિયા ૬૦૦૦ ઘટી રૂપિયા ૧,૬૮,૦૮૩ મુકાતી હતી. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં રૂપિયા ૧૦,૦૦૦નો ઘટાડો થયો છે. મુંબઈ બજારમાં ચાંદીની અછત દૂર થઈ જતા અને પૂરવઠો વધી જતા ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૩૧,૫૦૦ સ્થિર રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૩૧,૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૭૫,૦૦૦ બોલાતા હતા. ચાંદીમાં બુધવારની સરખામણીએ રૂપિયા ૫૦૦૦ ઘટી ગયા હતા. 

કસ્ટમ્સ ડયૂટીની  ગણતરી માટે  સોનાની ટેરિફ વેલ્યુ પ્રતિ દસ ગ્રામ ૧૨૩૧ ડોલરથી વધારી  ૧૩૨૭ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની પ્રતિ કિલો ૧૫૧૫ ડોલરથી વધારી  ૧૬૬૩ ડોલર કરવામાં આવી છે. આ વધારાને કારણે કિંમતી ધાતુની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જશે. 

વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવમાં સુધારો ટકી રહ્યો છે. સોનુ પ્રતિ ઔંસ ૪૨૫૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૫૩ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૯૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૫૮૫ ડોલર કવોટ થતું હતું. 

રશિયાને ભીંસમાં લેવા અમેરિકાની વધી રહેલી આક્રમકતાને પરિણામે ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા જળવાઈ રહી છે. ભારત રશિયા પાસેથી ક્રુડ તેલ નહીં ખરીદે તેવા ટ્રમ્પના નિવેદન તથા  યુકેએ રશિયન ઓઈલ પર નવેસરના પ્રતિબંધો જાહેર કરતા પૂરવઠો ખોરવાઈ જવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૮.૫૯  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૨.૨૪ડોલર મુકાતું હતું. 

Tags :