Get The App

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ

- અમેરિકા સાથે વેપાર ડીલ નજીકમાં હોવાના સંકેતે વિવિધ કરન્સી સામે રૂપિયો મજબૂત બન્યો

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ 1 - image


મુંબઈ : અમેરિકામાં શટડાઉનનો અંત આવવા સાથે મહત્વના સરકારી ડેટા જાહેર થવાનું શરૂ થશે તેવી ધારણાં અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિ આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરશે તેવી શકયતા વધી ગઈ હોવાથી વૈશ્વિક સોનાચાંદીમાં આગેકૂચ જારી રહી હતી. વૈશ્વિક સોનુ ૪૧૦૦ ડોલરને પાર કરી ગયું હતું. ચાંદીમાં પણ ભાવ ૫૧ ડોલરની ઉપર ટ્રેડ થતો હતો.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં  તેજી આગળ વધી હતી. ચાંદીમાં રૂપિયા ૩૦૦૦ જ્યારે સોનામાં રૂપિયા ૧૭૦૦નો ઉછાળો આવ્યો હતો. ડોલર ઈન્ડેકસ ફરી ૧૦૦ના સ્તરની નીચે સરકી ગયો છે. અમેરિકા સાથે વેપાર કરાર થવાની શકયતા વધી જતા ડોલર સામે રૂપિયો ઘટતો અટકયો હતો અને ૧૨ પૈસા ઊંચો બંધ આવ્યો હતો.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૭૦૮ વધી રૂપિયા ૧,૨૪,૧૪૯ રહ્યા હતા. ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૨ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૩૧૧૭ વધી રૂપિયા ૧,૫૪,૭૬૦ બોલાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૨૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૨૭,૯૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૬,૦૦૦ કવોટ થતા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૨૫૦૦ જ્યારે સોનું રૂપિયા ૧૯૦૦ ઊંચકાયું હતું.

વિશ્વ બજારમાં  સોનુ પ્રતિ ઔંસ ૪૧૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૪૧૪૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૫૧.૧૦ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૯૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતું હતું. અમેરિકા સાથે વેપાર કરાર થવાની શકયતા વધી જતા ડોલર સામે રૂપિયો ઘટતો અટકયો હતો અને ૧૨ પૈસા વધી ૮૮.૫૮ ડોલર રહ્યો હતો. પાઉન્ડ ૫૭ પૈસા ઘટી ૧૧૬.૨૭ રૂપિયા જ્યારે યુરો ૧૫ પૈસા ઘટી ૧૦૨.૪૫ રૂપિયા રહ્યો હતો.

ઓપેકના આવતી કાલે આવનારા મન્થલી રિપોર્ટ તથા આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી પણ માગના વાર્ષિક અંદાજ જાહેર કરનાર છે તે પહેલા  ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૪૬  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૪૮ ડોલર  બોલાતું હતું.

Tags :