અમદાવાદ : ચાંદીની ચળકાટે અનેકોની આંખો અંજાઈ દીધી છે. ચાંદીના ભાવમાં છેલ્લા એક જ વર્ષમાં ૧૫૦ ટકાથી વધુનો બમ્પર વધારો જોવા મળ્યો છે. ચાંદી દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. રોજબરોજ ભાવ નવા ઓલટાઈમ હાઈ સર કરી રહ્યાં છે. આ સાથે ચાંદીએ ક્રિસમસ ઈવનિંગે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ચાંદીએ વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ ક્લાસનું બિરૃદ હાંસલ કર્યું છે.
૨૦૨૫ના અંતિમ તબક્કામાં સોના-ચાંદી-પ્લેટિનમના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને રોકાણકારોને જબરદસ્ત વળતર આપી રહ્યા છે. કુલ વાર્ષિક વળતરની દ્રષ્ટિએ ચાંદીએ સોનાને પછાડયું છે, પરંતુ સોનું હજુ પણ મૂલ્યમાં ચાંદીથી આગળ છે. ચાંદીએ આ સપ્તાહની જ ૫ ટકાથી વધુની તેજી સાથે વેલ્યુએશનની દ્રષ્ટિએ આઈફોન નિર્માતા એપલ અને સર્ચ ગૂગલને પાછળ છોડી દીધા છે.
વૈશ્વિક વાયદા બજારમાં ચાંદીના ભાવ ૭૧ ડોલર પ્રતિ ઔંસને વટાવી ગયા છે. ચાંદી હવે વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન સંપત્તિ બની ગઈ છે. અગાઉ, એપલ ત્રીજા સ્થાને હતું. જોકે ચાંદીના ભાવમાં રેકોર્ડ ઉછાળાએ એપલને પાછળ છોડી દીધું છે. ચાંદીનું કુલ માર્કેટ કેપ ૪.૦૪ ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયું છે અને એપલનું માર્કેટ કેપ ૪.૦૨ ટ્રિલિયન ડોલર છે.
વિશ્વની સૌથી મૂલ્યવાન સંપત્તિઓમાં એક તો સોનું હાલમાં ચાંદીથી આગળ એટલેકે નંબર-૧ પર છે. સોનાની માર્કેટ કેપિટલ ૪૫૦૫ ડોલર પ્રતિ ઔંસના ભાવે ૧૫ ટ્રિલિયન ડોલર સાથે શિખરે છે જ્યારે બીજા ક્રમે ચિપ જાયન્ટ કંપની એનવીડિયા ૪.૫૭ ટ્રિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે.
ચાંદીનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ ૮૦ પર છે. ૭૦થી ઉપરનો આરએસઆઈ ઓવરબોટ માનવામાં આવે છે આર્થાત્ ટેક્નિકલ ઈન્ટિકેટર પર ચાંદી હાલમાં ઓવરબોટ ઝોનમાં છે.
બજારના નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં ચાંદીના ભાવમાં હજુ પણ વધુ વધારો જોવા મળી શકે છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત ઘટાડો, ભૂ-રાજકીય તણાવમાં વધારો ચાંદીને વધુ આકર્ષક બનાવે છે. ૨૦૨૬ની શરૃઆતમાં ફરી ફેડ દ્વારા વ્યાજદર વધારો થઈ શકે છે.
આ સિવાય ચાંદીના ભાવમાં વધારા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ચાંદીની ઔદ્યોગિક માંગ ઝડપથી વધી રહી છે પરંતુ સપ્લાય તેની સાથે મેળ ખાતો નથી. ભવિષ્યમાં માંગ વધુ વધશે, પરંતુ મર્યાદિત સપ્લાયને કારણે ભાવ ફરીથી આસમાને પહોંચી શકે છે.


