Sensex Nifty News : ભારતીય નાણાકીય બજારમાં આજે 'સુપર મનડે' જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં આવેલા ઐતિહાસિક ઉછાળા બાદ હવે શેરબજારમાં પણ તેજીનું તોફાન આવ્યું છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતોને પગલે આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી રૅકોર્ડબ્રેક ઊંચાઈએ ખૂલ્યા છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ઉછાળો
સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે ભારતીય સ્ટોક માર્કેટમાં પણ અઠવાડિયાના પ્રથમ દિવસે વેપારની શરુઆતમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી. સેન્સેક્સે આજે ખૂલતાની સાથે 597 પોઇન્ટનો ઉછાળો દર્શાવતા 84117ની સપાટી કૂદાવી હતી. જ્યારે નિફ્ટી 50 પણ 195 પોઇન્ટના ઉછાળા સાથે 25889ના લેવલને સ્પર્શી ગઈ હતી.
શેરબજારમાં તેજી પાછળના મુખ્ય કારણો
જાપાનમાં ચૂંટણીના પરિણામ: જાપાનમાં સાને તાકાઈચીની ઐતિહાસિક જીત બાદ એશિયન બજારોમાં તેજીનો માહોલ છે. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ પ્રથમ વખત 57,000ને પાર કરી ગયો છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વ્યાપાર માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમેરિકન ટૅરિફમાં 18% ઘટાડાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.
વોલ સ્ટ્રીટમાં રૅકોર્ડ: અમેરિકન બજારમાં ડોઉ જોન્સ 2.47% વધીને રૅકોર્ડ 50,115 પર બંધ રહ્યો હતો, જેની સીધી અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે.
સોના-ચાંદીમાં તેજીનો બ્લાસ્ટ
શેરબજારની તેજી વચ્ચે કોમોડિટી માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનાનો ભાવ અગાઉના બંધ ભાવ ₹1,55,451થી વધીને ₹1,58,500ની હાઇ સપાટીએ પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે તેના જૂના બંધ ભાવ ₹2,49,892થી વધીને ₹2,64,885ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. વૈશ્વિક તણાવ અને ETFમાં રોકાણ વધતા કિંમતી ધાતુઓમાં આ તેજી જોવા મળી રહી છે.
રોકાણકારો માટે આ અઠવાડિયું મહત્ત્વનું
આ સપ્તાહે રોકાણકારોની નજર ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, ફુગાવાના આંકડા, ત્રીજા ક્વાર્ટરના (Q3) પરિણામો અને વિદેશી રોકાણ (FII) પર રહેશે. બજારના નિષ્ણાતો માને છે કે જો ગ્લોબલ સંકેતો પોઝિટિવ રહેશે તો સેન્સેક્સ અને નિફ્ટી આગામી દિવસોમાં નવા શિખરો સર કરી શકે છે. જોકે, સોના-ચાંદીના વધતા ભાવ અને ભૌગોલિક તણાવ બજારમાં વોલેટિલિટી પણ લાવી શકે છે.


