US-ઈરાન તણાવની ઈફેક્ટ ભારતીય બજારમાં, સેન્સેક્સ 800 પોઈન્ટથી વધારે ગગડ્યો
નવી દિલ્હી, તા. 06 જાન્યુઆરી 2020, સોમવાર
અમેરીકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય શેર માર્કેટમાં તેની અસર જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 86 પોઈન્ટના ઘટાડા સાથે 41,378 પર અને નિફ્ટી 56 પોઈન્ટના ઘટાડા સાથે 12,170 પર ખુલ્યો. બપોર 2.19 કલાકે સેન્સેક્સ 820 પોઈન્ટ ગગડીને 40,644 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 243 પોઈન્ટના ઘટાડા સાથે 12 હજારની નીચે 11,983 પર પહોંચી ચૂક્યો હતો.
બપોરે 12.50 વાગ્યે સેંસેક્સ 714 પોઈન્ટના ઘટાડા સાથે 40,749 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટિ 208 પોઈન્ટના ઘટાડા સાથે 12,018 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેંસેક્સ 41 હજારની નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યાં હોવાથી સોનું મોંઘું થઈ રહ્યું છે. વાયદા કારોબારમાં 5 ફેબ્રુઆરીવાળું સોનું આજે 194 રૂપિયાની તેજી સાથે 40,250 પર ખુલ્યું. સવારે 9.40 કલાકે તે લગભગ 900 રૂપિયાની તેજી સાથે 41 હજારને પાર 41010 પર ટ્રેડ કરી રહ્યું હતું.
ચાંદીની કિંમતમાં પણ ઘણો ઉછાળો આવ્યો છે. વાયદા કારોબારમાં 5 માર્ચવાળી ચાંદી આજે સવારે 724 રૂપિયાની તેજી સાથે 48,251 પ્રતિ કિલોગ્રામ પર ખુલી. સવારે 9.44 કલાકે તે 1053 રૂપિયાની તેજી સાથે 48,580 પર ટ્રેડ કરી રહી હતી. કારોબાર દરમિયાન તે 48,660ના સ્તર સુધી પહોંચી હતી.