Get The App

સેન્સેક્સનો 684 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈને 168 પોઈન્ટ ઘટીને 81467

- નિફટી ૨૨૧ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ ૩૧ પોઈન્ટ ઘટીને ૨૪૯૮૨ : FPIs/FIIની રૂ.૪૫૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી

- ચાઈનામાં વધુ સ્ટીમ્યુલસની માંગ વચ્ચે શેરોમાં કડાકા

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સનો 684 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈને 168 પોઈન્ટ ઘટીને 81467 1 - image


મુંબઈ : ચાઈનામાં પાછલા દિવસોમાં સ્ટીમ્યુલસ પેકેજ બાદ આવેલી રિકવરી છતાં ચાઈનાના બજારોએ આર્થિક રિકવરી માટે હજુ મોટું સ્ટીમ્યુલસ-રાહત પેકેજ જરૂરી હોવાની માંગ કરતાં ચાઈનીઝ બજારોમાં આજે ફરી કડાકા વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ઉછાળે ફરી આંચકા આવ્યા હતા. ચાઈના ગમે તે ઘડીએ પેકેજ જાહેર કરે એવી એક શકયતા અને બીજી તરફ ઈઝરાયેલ દ્વારા પણ ગમે તે ઘડીએ ઈરાનને તેના પરના મિસાઈલોના હુમલાનો જડબાતોડ  જવાબ આપવામાં આવે એવી શકયતાએ શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાનું મહારથીઓ, ફંડોનું માનસ રહ્યું હતું. આ સાથે ઓટોમોબાઈલ જાયન્ટ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ભારતના મૂડી બજારના ઈતિહાસમાં સૌથી મોટો રૂ.૨૭,૮૫૬ કરોડનો આઈપીઓ સાથે ૧૫, ઓકટોબરના મૂડી બજારમાં પ્રવેશી રહી હોઈ ઈન્વેસ્ટરો, ફંડોએ સેકન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

સેન્સેક્સ વધ્યામથાળેથી ૮૫૨ પોઈન્ટ ઘટયો : નિફટી સ્પોટ વધ્યામથાળેથી ૨૫૩ પોઈન્ટ ઘટયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખ્યા છતાં વ્યાજ દરમાં હવે પછી ઘટાડાના સંકેત આપતાં  બેંકિંગ શેરોમાં આરંભિક આકર્ષણ સાથે ફંડોએ તેજી કરી હતી. સેન્સેક્સ આરંભમાં ૬૮૪.૪૦ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૮૨૩૧૯.૨૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એફએમસીજી શેરો હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સાથે લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક સહિતમાં ઓફલોડિંગ કરતાં ઉછાળો ધોવાઈ જઈ અંતે ૧૬૭.૭૧ પોઈન્ટ ઘટીને ૮૧૪૬૭.૧૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભિક તેજીમાં ૨૨૦.૯૦ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૨૫૨૩૪.૦૫ સુધી જઈ પાછો ફરી અંતે ૩૧.૨૦ પોઈન્ટ ઘટીને ૨૪૯૮૧.૯૫ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ તૂટયા : રિલાયન્સ રૂ.૪૬ ઘટીને રૂ.૨૭૫૦ : ઓએનજીસી ઘટયો : ઓઈલ ઈન્ડિયામાં આકર્ષણ

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગઈકાલે કડાકો બોલાઈ જઈ ભાવ બ્રેન્ટ ક્રુડના ૭૬.૭૯ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૭૩.૧૨ ડોલર નજીક આવી જતાં આજે ઓએનજીસીનો શેર રૂ.૫.૧૫ ઘટીને રૂ.૨૮૮.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૧૪, ઓકટોબરના ત્રિમાસિક પરિણામ એકંદર નબળા રહેવાની ધારણા વચ્ચે ફરી ઓફલોડિંગે રૂ.૪૫.૯૫ ઘટીને રૂ.૨૭૫૦.૧૦ રહ્યા હતા. ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૨૨૨.૫૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૩૫૧.૫૦ રહ્યા હતા. જ્યારે ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૯૦ વધીને રૂ.૫૭૩.૪૫, એચપીસીએલ રૂ.૫.૧૫ વધીને રૂ.૩૯૬ રહ્યા હતા.

સ્ટેટ બેંક વધીને રૂ.૭૯૭ : આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસમાં આકર્ષણ : ઈન્ડસઈન્ડ, એચડીએફસી ઘટયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિ  સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખ્યા સાથે વ્યાજ દરમાં આગામી મીટિંગમાં ઘટાડો થવાના સંકેત આપતાં બેંકિંગ શેરોમાં આજે આરંભમાં પસંદગીની ખરીદી રહી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૯૫ વધીને રૂ.૭૯૭, એક્સિસ બેંક રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૧૬૯.૫૦ રહ્યા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૮.૨૫ ઘટીને રૂ.૧૩૪૧.૩૦, એચડીએફસી બેંક રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૧૬૩૩.૭૦ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં આઈટીસી રૂ.૧૬ તૂટી રૂ.૪૯૧ : નેસ્લે ઈન્ડિયા રૂ.૬૫, હિન્દ યુનિલિવર રૂ.૪૭ તૂટયા

એફએમસીજી કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દાલમિયા સુગર રૂ.૧૯.૦૫ તૂટીને રૂ.૫૫૧.૩૦, ગ્લોબસ સ્પિરીટ્સ રૂ.૩૯.૧૫ તૂટીને રૂ.૧૧૪૦, આઈટીસી રૂ.૧૬.૧૦ તૂટીને રૂ.૪૯૧.૮૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૬૪.૮૦ ઘટીને રૂ.૨૫૧૬.૭૦, શ્રી રેણુકા સુગર રૂ.૧.૧૨ ઘટીને રૂ.૪૮.૧૭, તિલકનગર રૂ.૬.૧૦ ઘટીને રૂ.૨૯૭.૫૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૪૭.૪૦ ઘટીને રૂ.૨૭૬૯.૧૦, બ્રિટાનીયા રૂ.૮૮.૩૦ ઘટીને રૂ.૬૧૧૯.૯૦ રહ્યા હતા. જ્યારે એડીએફ ફૂડ્સ રૂ.૪૧ વધીને રૂ.૩૧૮.૩૦, સુખજીત સ્ટાર્ચ રૂ.૨૮.૪૦ વધીને રૂ.૫૬૦, ગુજરાત અંબુજા  એક્ષપોર્ટસ રૂ.૧૨ વધીને રૂ.૧૪૨.૪૫ રહ્યા હતા.

સિટીની ખરીદીની ભલામણે દિવીઝ લેબ રૂ.૪૨૬  ઉછળી રૂ.૫૯૭૨ : હેસ્ટર, ઈપ્કા, એફડીસીમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે એકાએક ફંડોએ મોટી ખરીદી કરતાં ઘણા શેરોના ભાવો ઉછળ્યા હતા. બ્રોકિંગ જાયન્ટ સિટી દ્વારા દિવીઝ લેબ.માં રૂ.૬૪૦૦ના ટાર્ગેટ સાથે ખરીદીની ભલામણ કરતાં શેર  રૂ.૪૨૫.૯૦ ઉછળીને રૂ.૫૯૭૨.૯૦, માર્કસન્સ ફાર્મા રૂ.૧૬.૯૫ વધીને રૂ.૨૯૮.૮૫, વિન્ડલાસ બાયોટેક રૂ.૪૫.૫૫ વધીને રૂ.૯૦૬.૯૦, હેસ્ટર બાયો રૂ.૧૧૫.૪૦ ઉછળી રૂ.૨૩૭૬.૩૫, ઈપ્કા લેબ્સ રૂ.૭૪.૨૫ વધીને રૂ.૧૬૧૧.૧૫, સ્ટ્રાઈડ્સ ફાર્મા રૂ.૬૫.૭૫ વધીને રૂ.૧૫૦૯.૩૫, એફડીસી રૂ.૧૯.૬૦ વધીને રૂ.૫૩૪.૭૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૦૨.૫૫ વધીને રૂ.૨૮૧૧.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૩૮.૫૦ પોઈન્ટ ઉછળીને ૪૪૬૯૨.૦૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેગા આઈપીઓનું આકર્ષણ : ટાટા મોટર્સ, ટયુબ, મારૂતી, કમિન્સમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે હ્યુન્ડાઈ ઈન્ડિયાના ૧૫, ઓકટોબરના ખુલનારા રૂ.૨૭,૮૫૬ કરોડના આઈપીઓના આકર્ષણે ફંડો લેવાલ રહ્યા હતા. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૧૮.૪૫ ઉછળીને રૂ.૪૧૭૧.૩૫, ટાટા મોટર્સ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૯૩૯.૧૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૧.૫૫ વધીને રૂ.૩૭૭૭.૭૫, બોશ રૂ.૭૦૫.૧૦ વધીને રૂ.૩૮,૬૮૦, મારૂતી સુઝુકી રૂ.૨૨૫.૧૦ વધીને રૂ.૧૨,૭૬૦.૯૫, ટીવીએસ મોટર રૂ.૩૯.૪૦ વધીને રૂ.૨૭૮૧.૨૦, એમઆરએફ રૂ.૭૬૪.૮૦ વધીને રૂ.૧,૩૨,૮૫૨.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૯૫.૫૪ પોઈન્ટ વધીને ૫૯૭૯૧.૭૬ બંધ રહ્યો હતો.

ફિનિક્સ મિલ્સ રૂ.૭૨ વધીને રૂ.૧૭૨૮ : ઓબેરોય રિયાલ્ટી, મેક્રોટેક ડેવલપર્સ, ડીએલએફમાં આકર્ષણ

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. ફિનિક્સ મિલ્સ રૂ.૭૨.૧૫ વધીને રૂ.૧૭૨૮.૮૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૭૪.૭૦ વધીને રૂ.૧૮૩૬.૦૫, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૪૧.૬૦ વધીને રૂ.૧૨૦૯.૧૦, પ્રેસ્ટેજ એસ્ટેટ રૂ.૩૯.૬૫ વધીને રૂ.૧૮૫૭.૭૫, ડીએલએફ રૂ.૧૨.૮૦ વધીને રૂ.૮૫૨.૩૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૩૨.૧૫ વધીને રૂ.૨૯૮૪.૫૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૭૭.૮૬ પોઈન્ટ વધીને ૮૨૨૧.૬૪ બંધ રહ્યો હતો.

ફંડો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપમાં ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૭૦૫ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળે ફરી આંચકા આવતાં અંતે નરમાઈ છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહેતાં ઘણા શેરોમાં તેજી જોવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૦૫ અને ઘટનારની સંખ્યા ૧૨૪૮ રહી હતી.

 DIIની રૂ.૩૫૦૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૪૫૬૩ કરોડના શેરોની વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૪૫૬૨.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૭૨૬.૨૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૨૮૮.૯૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૫૦૮.૬૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૮૪૧.૮૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૩૩,૨૦ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૬૪ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૧૪ લાખ કરોડ પહોંચ્યું

સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે  એક દિવસમાં રૂ.૨.૬૪  લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૧૪  લાખ કરોડ પહોંચ્યું હતું.

Sensex

Google NewsGoogle News