મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે અપેક્ષા પ્રમાણે વ્યાજ દર યથાવત રાખવાના લીધેલા નિર્ણયથી નબળા વૈશ્વિક પરિબળો વચ્ચે પણ ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે સુધારો જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક પરિબળો વચ્ચે દિવસના પ્રારંભમાં શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ નબળા ખૂલ્યા હતા પરંતુ રિઝર્વ બેન્કની પોલિસી જાહેર થયા બાદ બજારમાં રિકવરી જોવા મળી હતી. આઈટી, ઓટો તથા ફાર્મા શેરોમાં નબળાઈ જોવા મળી હતી જ્યારે એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસમાં આકર્ષણ રહ્યું હતું. છેલ્લા કેટલાક સત્રથી બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ કન્સોલિડેટ થઈ રહ્યાનું જોવા મળે છે.મિડકેપ તથા સ્મોલ કેપ શેરો નબળા રહ્યા હતા. બીએસઈ સેન્સેકસ નીચામાં ૮૨૯૨૫.૩૫ અને ઉપરમાં ૮૩૬૧૨.૧૨ વચ્ચે અથડાઈ છેવટે ૨૬૬.૨૭ પોઈન્ટ વધી ૮૩૫૮૦ .૪૦ બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૫૪૯૧.૯૦ અને ઉપરમાં ૨૫૭૦૩.૯૫ વચ્ચે અથડાઈ છેવટે ૫૦.૯૦ વધી ૨૫૬૯૩.૭૦ બંધ રહ્યો હતો. ઈન્ડેકસમાં સુધારા છતાં માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બીએસઈ પર ૧૮૮૫ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૨૩૦૯ના ઘટયા હતા અને ૧૧૭ શેરોના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા.
આઈટી શેરોમાં સતત ધોવાણ ચાલુ: નિફટી આઈટી ઈન્ડેકસમાં વધુ ૫૩૨ પોઈન્ટનું ગાબડું
આઈટી કંપનીઓના શેરોમાં સતત વેચવાલી ચાલુ રહી હતી. છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રમાં નિફટી આઈટી ઈન્ડેકસ ૯ ટકા જેટલો ઘટયો છે. સોફટવેર કંપનીઓ સામે એઆઈના જોખમ વધી રહ્યા હોવાના અહેવાલે વૈશ્વિક આઈટી શેરોમાં ધોવાણને પગલે ઘરઆંગણે પણ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફટી આઈટી ઈન્ડેકસમાંના દરેક શેરો ઘટાડે બંધ રહ્યા હતા. ઈન્ફોસિસ રૂપિયા ૧૩.૧૦ ઘટી રૂપિયા ૧૫૦૭.૧૦, એચસીએલ ટેક રૂપિયા ૧૬.૩૦ ઘટી રૂપિયા ૧૫૯૩.૭૦, વિપ્રો રૂપિયા ૨.૬૭ ઘટી રૂપિયા ૨૩૦.૭૨, ટીસીએસ રૂપિયા ૪૯.૯૦ ઘટી રૂપિયા ૨૯૪૧.૬૦ બંધ રહ્યો હતો. રૂપિયામાં મજબૂતાઈને કારણે પણ આઈટી સેવા ક્ષેત્રના શેરો ઘટાડા તરફી રહ્યા હતા.
નિફટી એફએમસીજી ઈન્ડેકસ ૧૧૫૧ પોઈન્ટ ઉછળ્યો: આઈટીસી, એચયુએલ, ડાબર, પતંજલિ સહિતના એફએમસીજી સ્ટોકસમાં આકર્ષણથી ઉછાળો
એફએમસીજી ક્ષેત્રના શેરોમાં નીચા મથાળે આકર્ષણ જોવા મળ્યું હતું. એચયુએલ રૂપિયા ૬૯.૮૦ વધી રૂપિયા ૨૪૨૪.૨૦, પતંજલિ ફૂડસ રૂપિયા ૮.૫૫ વધી રૂપિયા ૫૨૪.૦૫ તથા ડાબર રૂપિયા ૪ વધી રૂપિયા ૫૦૮.૩૦ બંધ રહ્યો હતો. સિગારેટ પર સરકારે એકસાઈઝ ડયૂટી વધારો લાગુ કર્યા બાદ સિગારેટ ઉત્પાદક કંપનીઓ આઈટીસી, ગોડફ્રે, વીએસટીના ભાવમાં બોલાઈ ગયેલા કડાકા બાદ આજે તેમાં વેલ્યુ બાઈંગ નીકળતા ભાવમાં ઉછાળો આવ્યો હતો. કંપનીઓએ સિગારેટના ભાવ વધારવાની ફરજ પડી હતી. આઈટીસી રૂપિયા ૧૫.૬૦ વધી રૂપિયા ૩૨૫.૮૦, ગોડફ્રે રૂપિયા ૨૦૬.૩૦ વધી રૂપિયા ૨૧૮૮.૩૦, વીએસટી રૂપિયા ૮.૨૭ વધી રૂપિયા ૨૩૭.૩૩ બંધ રહ્યા હતા.
રિઝર્વ બેન્કની પોલિસી બાદ બેન્કિંગ શેરોમાં પાંખી વધઘટે મિશ્ર પ્રવાહ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટ યથાવત રાખવાના લેવાયેલા નિર્ણય બાદ બેન્કિંગ શેરોમાં પાંખી વધઘટ મિશ્ર પ્રવાહ રહ્યો હતો. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક તથા સેન્ટ્રલ બેન્ક સાધારણ સુધારા સાથે બંધ રહ્યા હતા જ્યારે પીએનબી રૂપિયા ૧.૨૫ ઘટી રૂપિયા ૧૨૨.૮૫, ઈન્ડિયન બેન્ક રૂપિયા ૮.૩૦ ઘટી રૂપિયા ૮૭૧.૨૦, એસબીઆઈ રૂપિયા ૭.૧૦ ઘટી રૂપિયા ૧૦૬૬.૪૦ બંધ રહ્યા હતા. આ ઉપરાંત આઈઓબી, યુકો બેન્ક, પંજાબ એન્ડ સિંધ નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ એમઆરએફ રૂપિયા ૧૧૪૮૫ વધી રૂપિયા ૧,૪૬,૪૫૫ પહોંચ્યો: અન્ય ઓટો શેરોમાં પણ નીચા ભાવે લેવાલી
ટાયર ઉત્પાદક એમઆરએફના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ ભાવમાં ૮ ટકાથી વધુનો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. અન્ય ઓટો શેરોમાં ટીવીએસ મોટર રૂપિયા ૪૫.૮૦ વધી રૂપિયા ૩૭૫૮.૫૦, બાલકૃષ્ણ ઈન્ડ. રૂપિયા ૧૭.૦૦ વધી રૂપિયા ૨૭૦૪.૮૦, અશોક લેલેન્ડ રૂપિયા ૦.૩૪ વધી રૂપિયા ૨૦૧.૮૪ રહ્યો હતો.
એફઆઈઆઈની કેશમાં રૂપિયા ૧૯૫૦.૭૭ કરોડની નેટ લેવાલી જ્યારે ડીઆઈઆઈની રૂપિયા ૧૨૬૫.૦૬ કરોડની નેટ વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૧૬૭૧૮.૬૬ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૪૭૬૭.૮૯ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૯૫૦.૭૭ કરોડની ખરીદી રહી હતી. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની રૂપિયા ૧૩૨૧૫.૭૪ કરોડની નેટ લેવાલી સામે રૂપિયા ૧૪૪૮૦.૮૦ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૧૨૬૫.૦૬ કરોડની નેટ વેચવાલી રહી હતી.


