શેરોમાં સતત બીજા દિવસે છેલ્લી ઘડીની તેજી : બેંકિંગ-ફાઈ., ઓટો, પાવર, મેટલ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 169 પોઈન્ટ વધીને 40582
- FPIs/FIIની કેશમાં રૂ.૬૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૮૧૦ કરોડની ચોખ્ખી ખરીદી
- નિફટી સ્પોટ ૬૨ પોઈન્ટ વધીને ૧૧,૯૭૨ : આઈટી શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 12 ડિસેમ્બર 2019, ગુરૂવાર
ફુગાવાના રીટેલ આંક અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના આંક જાહેર થતાં પૂર્વે ગઈકાલે યુ.એસ.ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગના અંતે વ્યાજ દર યથાવત રાખવામાં આવતાં અને અમેરિકી અર્થતંત્રની સતત મજબૂતીને લઈ વર્ષ ૨૦૨૦માં પણ વ્યાજ દરમાં સ્થિરતા જળવાઈ રહેવાનો સંકેત આપવામાં આવતાં આજે વૈશ્વિક બજારોમાં રિકવરીની સાથે ભારતીય શેર બજારોમાં સતત બીજા દિવસે છેલ્લી ઘડીમાં ઈન્ડેક્સ બેઝડ ઝડપી તેજી જોવાઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વના નિર્ણય સાથે હવે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ મામલે પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની ટીમ સાથે મળીને આપવામાં આવનારા નવા સંકેત તેમ જ યુ.કે.માં યોજાનારી ચૂંટણી સાથે ઈસીબીની મીટિંગ પર નજર વચ્ચે આજે ફંડોએ વૈશ્વિક બજારોમાં સતત તેજી કરી હતી. સ્થાનિકમાં કેન્દ્ર સરકાર દ્વારા હવે આર્થિક રિકવરીને વેગ આપવા વધુ પગલાં ટૂંક સમયમાં જાહેર થવાની શકયતા સાથે કેન્દ્રિય બજેટમાં મોટું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષાએ ફંડોની આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગની ઝડપી તેજી છેલ્લા પોણો કલાકમાં આવતાં સેન્સેક્સ ૧૬૯.૧૪ પોઈન્ટ વધીને ૪૦૫૮૧.૭૧ અને નિફટી સ્પોટ ૬૧.૬૫ પોઈન્ટ વધીને ૧૧૯૭૧.૮૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભમાં નીચામાં ૪૦૪૯૦ થઈ છેલ્લા પોણા કલાકની ઝડપી તેજીમાં ૪૦૭૧૨ સુધી જઈ અંતે ૧૬૯ વધીને ૪૦૫૮૨
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૪૧૨.૫૭ સામે ૪૦૫૬૧.૩૪ મથાળે ખુલીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક સાથે ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં લેવાલી બાદ વધ્યામથાળેથી પાછો ફરીને આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ઈન્ફોસીસમાં યુ.એસ.માં કંપનીના પરિણામ મામલે એક્શન કેસ ફાઈલ થતાં ફંડોની વેચવાલીએ અને એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ટેક મહિન્દ્રામાં નરમાઈએ અને ઓએનજીસી, બજાજ ઓટો, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવરની નરમાઈએ ઘટીને નીચામાં ૪૦૪૯૦.૬૯ સુધી આવ્યો હતો. જે મથાળેથી છેલ્લા પોણા કલાકમાં ઝડપી રિકવરીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી લેવાલી સાથે ઓટો શેરો અને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં લેવાલીએ અને એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રોમાં આકર્ષણે વધીને ઉપરમાં ૪૦૭૧૨.૬૫ સુધી જઈ અંતે ૧૬૯.૧૪ પોઈન્ટ વધીને ૪૦૫૮૧.૭૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૨૦૦૦ની સપાટી કુદાવી ૧૨૦૦૫ થઈ અંતે ૬૨ પોઈન્ટ વધીને ૧૧૯૭૨
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૯૧૦.૧૫ સામે ૧૧૯૪૪.૩૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ આઈટી-સોફટવેર શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતમાં ઈન્ફોસીસ સામે અમેરિકામાં એક્શન કેસ ફાઈલ થતાં વેચવાલીએ અને ભારતી એરટેલ, ઈન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી લિમિટેડ સહિતમાં નરમાઈએ નીચામાં ૧૧૯૩૪ સુધી આવ્યો હતો. જે ફરી બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓટો, ફાર્મા શેરોમાં તેજી થતાં વધીને ૧૨૦૦૫.૫૦ સુધી પહોંચી અંતે ૬૧.૬૫ પોઈન્ટ વધીને ૧૧૯૭૧.૮૦ બંધ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૧,૩૧૪ થી વધીને ૩૧,૭૨૦ : નિફટી ફયુચર ૧૧,૯૩૮ થી વધીને ૧૨,૦૨૨
ડેરિવેટીવ્ઝમાં આજે નિફટી બેઝડ વિકલી કોન્ટ્રેકટસના સેટલમેન્ટમાં ફંડોએ સતત શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. જ્યારે માસિક કોન્ટ્રેકટસમાં ફંડોની બેંક નિફટી અને નિફટી ફયુચર્સમાં પણ તેજી રહી હતી. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૪૫,૩૮૬ કોન્ટ્રેકટસમાં રૂ.૯૧૭૮.૭૦ કરોડના કામકાજે ૩૧,૩૧૪.૨૫ સામે ૩૧,૪૦૬.૩૦ મથાળે ખુલીને નીચામાં ૩૧,૪૦૫ થઈ વધીને ૩૧,૭૪૫ સુધી જઈ અંતે ૩૧,૭૨૦.૪૦ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૦૫,૯૬૭ કોન્ટ્રેકટસમાં રૂ.૯૫૪૪.૫૮ કરોડના કામકાજે ૧૧,૯૩૮.૧૫ સામે ૧૧,૯૯૮.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૯૬૬.૩૦ થઈ વધીને ૧૨,૦૫૪.૯૫ સુધી પહોંચી અંતે ૧૨,૦૨૨.૨૫ રહ્યો હતો.
નિફટી ૧૨,૦૦૦નો કોલ ૮૬.૭૫ થી વધીને ૧૧૭.૫૦ : નિફટી ૧૧,૯૦૦નો પુટ ૭૧ થી ઘટીને ૩૦
નિફટી વિકલી કોન્ટ્રેકટસમાં ૧૯,ડિસેમ્બર એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં આજે નિફટી ૧૨,૦૦૦નો કોલ ૮૫,૬૫૧ કોન્ટ્રેકટસમાં રૂ.૭૭૫૨.૮૩ કરોડના કામકાજે ૪૫.૩૦ સામે ૭૫ મથાળે ખુલીને નીચામાં ૫૧ થઈ વધીને ૮૭ સુધી પહોંચી અંતે ૭૦.૬ ૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૮૮,૨૮૦ કોન્ટ્રેકટસમાં રૂ.૭૯૦૨.૮૩ કરોડના કામકાજે ૭૧ સામે ૪૨.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૫.૫૦ થઈ ઘટીને ૨૫.૨૫ સુધી આવી અંતે ૩૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૫૩,૯૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૪૯૦૦.૯૫ કરોડના કામકાજે ૧૯.૫૫ સામે ૨૪.૧૫ મથાળે ખુલીને નીચામાં ૨૧ થઈ વધીને ૩૯ સુધી પહોંચી અંતે ૨૯.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૩૬.૧૦ સામે ૨૯.૪૦ મથાળે ખુલીને નીચામાં ૧૦.૩૫ સુધી ગબડી અંતે ૧૨.૦૫ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઝડપી રિકવરી : યશ બેંક, આરબીએલ બેંક, સ્ટેટ બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સતત બીજા દિવસે શોર્ટ કવરિંગ સાથે ફંડોએ વેલ્યુબાઈંગ કરતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૪૫.૫૭ પોઈન્ટ ઉછળીને ૩૬૧૩૪.૩૪ બંધ રહ્યો હતો. યશ બેંક રૂ.૨.૫૫ વધીને રૂ.૪૫.૩૫, આરબીએલ બેંક રૂ.૧૦.૧૦ વધીને રૂ.૩૩૪.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૧૦ વધીને રૂ.૩૨૧.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૭૧૫.૭૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૮૫ વધીને રૂ.૧૪૪૨.૬૫, ફેડરલ બેંક રૂ.૧.૧૫ વધીને રૂ.૮૫.૩૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૭૫ વધીને રૂ.૧૨૬૩.૪૫, એક્સીસ બેંક રૂ.૫.૧૫ વધીને રૂ.૭૨૧.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧.૪૫ વધીને રૂ.૫૩૫.૦૫, આઈડીબીઆઈ બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૩૬.૯૦, આઈઆઈએફએલ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૧૪૯.૩૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૩.૩૫ વધીને રૂ.૨૯૧.૫૫, રેલીગેર રૂ.૧.૯૫ વધીને રૂ.૪૫.૦૫, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૭.૩૦ વધીને રૂ.૧૭૩.૧૫, એબી કેપિટલ રૂ.૩.૭૫ વધીને રૂ.૯૯.૩૦, બિરલા મની રૂ.૧.૧૦ વધીને રૂ.૩૩.૨૫, ચૌલા ફિન રૂ.૧૦ વધીને રૂ.૩૧૨.૯૦, આવાસ રૂ.૭૦.૦૫ વધીને રૂ.૧૯૦૯.૬૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૧.૯૦ વધીને રૂ.૭૬૪.૬૫, ઈન્ડિયાબુલ્સ વેન્ચર્સ રૂ.૪ વધીને રૂ.૧૫૮.૮૦, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૭.૭૫ વધીને રૂ.૩૩૮.૩૫, પીએનબી રૂ.૧.૨૦ વધીને રૂ.૬૦.૮૦ રહ્યા હતા.
લાર્સનને રૂ.૨૦૦૦ કરોડના ઓર્ડરોએ શેર વધ્યો : કલ્પતરૂ પાવર, એનબીસીસી, હવેલ્સ, ભેલ, એબીબી, થર્મેક્સ, એચઈજી વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ફંડોની લેવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રોના કન્સ્ટ્રકશન ડિવિઝનને રૂ.૨૦૦૦ કરોડના ઓર્ડરો મળતાં શેરમાં લેવાલીએ રૂ.૧૫.૬૦ વધીને રૂ.૧૨૭૯.૨૦ રહ્યો હતો. કલ્પતરૂ પાવર રૂ.૧૮.૪૫ વધીને રૂ.૪૨૮.૭૦, એનબીસીસી રૂ.૧.૦૫ વધીને રૂ.૩૪.૪૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૭.૦૫ વધીને રૂ.૬૫૨.૫૦, એચઈજી રૂ.૨૬.૬૦ વધીને રૂ.૧૦૮૯.૧૫, ભેલ રૂ.૧ વધીને રૂ.૪૫.૨૦, એબીબી રૂ.૨૪.૪૦ વધીને રૂ.૧૪૮૪.૨૫, થર્મેક્સ રૂ.૯.૩૦ વધીને રૂ.૧૦૦૭.૧૫, ગ્રેફાઈટ રૂ.૬.૫૫ વધીને રૂ.૩૧૪.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૦.૧૯ પોઈન્ટ વધીને ૧૬૭૫૬.૭૯ બંધ રહ્યો હતો.
ઓટો ઉદ્યોગને પ્રોત્સાહનોની ્અપેક્ષાએ ફંડોનું શોર્ટ કવરિંગ : ટાટા મોટર્સ, કયુમિન્સ, એકસાઈડ, અશોક લેલેન્ડ, આઈશર વધ્યા
ઓટોમોબાઈલ ઉદ્યોગ સતત મંદ માંગના સંકટમાંથી પસાર થઈ રહ્યો હોઈ નવેમ્બરમાં વાહનોના વેચાણમાં એક્ત્રિત ધોરણે એક ટકાની જ વૃદ્વિ થયાના સિયામના આંકડા સાથે હવે સરકાર દ્વારા ઉદ્યોગના વધુ રાહત-પ્રોત્સાહનો આપવામાં આવે એવી શકયતા અને જીએસટી કાઉન્સિલના આગામી મીટિંગમાં રાહતની શકયતા વચ્ચે ફંડોની ઓટો શેરોમાં લેવાલી થઈ હતી. ટાટા મોટર્સ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૭૩.૩૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૪.૨૫ વધીને રૂ.૫૩૮.૫૫, એકસાઈડ રૂ.૪.૬૦ વધીને રૂ.૧૮૪.૭૫, અશોક લેલેન્ડ રૂ.૧.૯૫ વધીને રૂ.૭૮.૫૦, મધરસન સુમી રૂ.૨.૬૦ વધીને રૂ.૧૩૫.૪૫, આઈશર મોટર્સ રૂ.૩૯૫.૪૦ વધીને રૂ.૨૧,૯૪૩.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૩૭.૨૦ વધીને રૂ.૨૩૩૪.૧૦, ટીવીએસ મોટર રૂ.૫.૨૦ વધીને રૂ.૪૪૪.૫૦, એમઆરએફ રૂ.૬૫૪.૦૫ વધીને રૂ.૬૨,૬૬૮.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪.૧૦ વધીને રૂ.૫૧૧.૭૫, મારૂતી સુઝુકી રૂ.૬.૨૦ વધીને રૂ.૬૯૯૭.૭૫, અપોલો ટાયર રૂ.૧.૨૫ વધીને રૂ.૧૬૫.૬૦ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં સતત પસંદગીની તેજી : હાઈકલ, વીવીમેડ લેબ., એસ્ટ્રાઝેનેકા, સિપ્લા, ગ્લેનમાર્ક, અબોટ ઈન્ડિયા, આરપીજી વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોની પસંદગીની તેજી રહી હતી. હાઈકલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૧૪.૩૦, વીવીમેડ લેબ રૂ.૧.૨૩ વધીને રૂ.૧૨.૦૮, એસ્ટ્રાઝેનેકા રૂ.૮૦.૩૫ વધીને રૂ.૨૭૫૭.૦૫, સિપ્લા રૂ.૧૦.૯૦ વધીે રૂ.૪૬૦.૬૦, અબોટ ઈન્ડિયા રૂ.૨૬૬.૩૦ વધીને રૂ.૧૨,૮૨૧.૭૦, ગ્લેનમાર્ક રૂ.૭.૩૫ વધીને રૂ.૩૪૧.૩૫, આરપીજી લાઈફ રૂ.૫.૦૫ વધીને રૂ.૨૯૧.૮૦, નોવાર્ટિસ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૬૯૦.૪૦, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૧૬૫૭.૨૫ રહ્યા હતા.
ઈન્ફોસીસ સામે અમેરિકામાં એકશન લો સ્યુટ ફાઈલ થતાં આઈટી શેરોમાં એચસીએલ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા ઘટયા
ઈન્ફોસીસના પરિણામ મામલે અમેરિકા અમેરિકામાં એકશન લો સ્યુટ-કેસ ફાઈલ થયાના અહેવાલ વચ્ચે આજે આઈટી શેરોમાં ફંડોની વેચવાલી થઈ હતી. ઈન્ફોસીસ રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૭૦૧.૮૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૭.૫૫ ઘટીને રૂ.૫૩૬.૩૦, ટીસીએસ રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૨૦૧૬.૭૫, માઈન્ડટ્રી રૂ.૩.૫૫ ઘટીને રૂ.૭૫૨, વિપ્રો રૂ.૨૩૯.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૨.૧૦ ઘટીને રૂ.૭૫૫.૯૫ રહ્યા હતા.
ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંકનું ૫૭ ટકા પ્રીમિયમે ધમાકેદાર લિસ્ટિંગ થયું : અંતે ૫૧ ટકા વધીને રૂ.૫૬
ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરનું આજે શેરબજારોમાં ઈસ્યુ ભાવ રૂ.૩૭થી ૫૬.૭૬ ટકા પ્રીમિયમે રૂ.૫૮ ભાવે ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. બેંક દ્વારા તાજેતરમાં જ શેર દીઠ રૂ.૩૬ થી ૩૭ પ્રાઈસ બેન્ડમાં આઈપીઓ કરાયો હતો. જે ૧૬૬ ગણો જંગી છલકાયો હતો. બીએસઈ પર રૂ.૫૮ ભાવે લિસ્ટ થયા બાદ શેર ઉપરમાં રૂ.૬૨.૮૦ અને નીચામાં ૫૩.૧૦ થઈ અંતે ૫૧.૦૮ ટકા એટલે કે રૂ.૧૮.૯૦ વધીને રૂ.૫૫.૯૦ બંધ રહ્યો હતો.
ફંડો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે આકર્ષણ : ૧૩૭૫ શેરો પોઝિટીવ બંધ : ૨૧૦ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ આજે પણ ફંડો, ખેલંદાઓનું પાછલા દિવસોમાં સતત ઓફલોડિંગ બાદ આજે ફંડો, ખેલદાઓએ પસંદગીની લેવાલી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૯૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૭૫ અને ઘટનારની સંખ્યા ૧૦૪૩ રહી હતી. ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૬૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૮૧૦ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૬૮૩.૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૪૮૦.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૬૪.૧૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૧૦.૨૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૪૭૪.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૬૬૩.૯૯ કરોડની વેચવાલી થઈ હતી.