| (AI IMAGE) |
Stock Market News: ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો ચિંતિત છે. દુનિયાભરમાં વેપારને લઈને વધતી અસ્થિરતા, અમેરિકાના રાજકારણમાં આવતા બદલાવ અને દેશો વચ્ચેના તણાવને લીધે બજાર નીચે જઈ રહ્યું છે. BSE સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 2,100 પોઇન્ટથી વધુ ગગડ્યો છે. 2 જાન્યુઆરીએ જે સેન્સેક્સ 85,762ના સ્તરે હતો, તે શુક્રવારે ઘટીને 83,506 સુધી પહોંચી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ દબાણમાં આવીને 25,700ની નીચે સરકી ગયો છે.
બજારમાં આ મોટા ઘટાડા પાછળ મુખ્ય 5 કારણો જવાબદાર માનવામાં આવે છે
1. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી
બજાર ઘટવાનું સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી આક્રમક વેચવાલી છે. માત્ર 8 જાન્યુઆરીના રોજ વિદેશી રોકાણકારોએ 3367.12 કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા હતા. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાને કારણે વિદેશી ભંડોળ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પાછું ખેંચાઈ રહ્યું છે.
2. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીનો ડર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ અંગેની નિવેદનબાજીએ રોકાણકારોની ચિંતા વધારી છે. ખાસ કરીને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાની ધમકીએ બજારમાં ડરનો માહોલ પેદા કર્યો છે. જો આવું થાય તો ભારત જેવા દેશો માટે આર્થિક પડકારો વધી શકે છે.
3. ટ્રમ્પ પ્રશાસને લાદ્યો કુલ 50 ટકા જેટલો જંગી ટેરિફ
ભારત અને અમેરિકા વચ્ચે માર્ચથી અત્યાર સુધી છ રાઉન્ડની વાતચીત થઈ હોવા છતાં કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલા જ ભારત પર કુલ 50 ટકા ટેરિફ (25% બેઝ અને 25% દંડ) લગાવી ચૂક્યું છે. આ મડાગાંઠ ઉકેલાતી ન હોવાથી રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
આ પણ વાંચો: ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ
4. ક્રૂડ ઓઇલના ભાવમાં તણાવ
રશિયાથી સસ્તા તેલના સપ્લાય પર અનિશ્ચિતતા અને તેલની વધતી કિંમતો બજાર માટે નકારાત્મક સાબિત થઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, તેથી તેલ મોંઘું થતાં મોંઘવારી વધવાની અને દેશની આર્થિક સ્થિતિ(CAD) પર દબાણ આવવાની આશંકા છે.
5. રૂપિયાનું ઐતિહાસિક સ્તરે ધોવાણ
ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. અમેરિકન ડૉલર સામે રૂપિયો 91ના સ્તરને પાર કરી ગયો છે. રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપ છતાં રૂપિયામાં જોવા મળી રહેલા ઘટાડાએ વિદેશી રોકાણના પ્રવાહને પ્રભાવિત કર્યો છે, જેની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે.


