Get The App

ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352, નિફ્ટીમાં 422 પોઇન્ટનું ગાબડું

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352, નિફ્ટીમાં 422 પોઇન્ટનું ગાબડું 1 - image

- ક્રૂડ ઓઇલના ભાવ વધારાની વૈશ્વિક બજારો પર થયેલી અસર

- રોકાણકારોની સંપતિમાં રૂ. 8.58 લાખ કરોડનું ધોવાણ : નિફ્ટી ટોચના સ્તરથી 10 ટકાથી વધુ તૂટતા બજાર ટેકનિકલી કરેક્શન ઝોનમાં 

અમદાવાદ : વૈશ્વિક સ્તરે અમેરિકા ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાતા રોકાણકારોની વધતી ચિંતા વચ્ચે આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે સેન્સેક્સમાં ૧,૩૫૨ અને નિફ્ટીમાં ૪૨૨ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. સેન્સેક્સમાં બોલેલા કડાકાને પગલે આજે રોકાણકારોની સંપતિમાં રૂ. ૮.૫૮ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

શેરબજારમાં આજે ઘટાડાનું સૌથી મોટું કારણ વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી ૧૧૯ ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. આનાથી વૈશ્વિક અર્થતંત્ર અને સપ્લાય ચેઇન અંગે ચિંતા વધી છે, જેની અસર શેરબજારો પર  પડી રહી છે. 

તાજેતરના ઘટાડા બાદ, નિફ્ટી તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી નોંધપાત્ર રીતે નીચે પટકાયો છે. ગત ૫ જાન્યુઆરીએ નિફ્ટી ૨૬,૩૭૩ ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.  તે આ સ્તરથી ૧૦ ટકાથી વધુ ઘટી ગયો છે, જેના કારણે બજાર ટેકનિકલી કરેક્શન ઝોનમાં આવી ગયું છે. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, સોમવારે લગભગ તમામ ક્ષેત્રોના શેરોમાં વેચવાલી આવતા તમામ ઇન્ડેક્સમાં પીછેહઠ થઈ હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો  ૬ ટકાનો ઘટાડો  નોંધાયો હતો. જ્યારે ઓટો, મેટલ, રિયલ્ટી અને ખાનગી બેંકિંગ ક્ષેત્રોમાં પણ ૩ થી ૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારમાં આજે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વેચવાલીનું  ભારે દબાણ જોવા મળ્યું હતું, જેમાં ઘણા શેર ૨ થી ૩ ટકા ઘટયા હતા. આમ બજારમાં નબળાઈ ફક્ત મોટા શેરો સુધી મર્યાદિત ન હતી પરંતુ સમગ્ર બજારમાં દબાણ જોવાયું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની આજે યુરોપ અને એશિયાઈ બજારો પર પણ જોવા મળી હતી.

ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે સેન્સેક્સમાં ૧,૩૫૨.૭૪ પોઈન્ટનું ગાબડું નોંધાતા તે  ૭૭,૫૫૬.૧૬ પર ઉતરી આવ્યો હતો. આજે સેન્સેક્સ ઇન્ટ્રાડે ૨૪૯૪ પોઈન્ટના કડાકા સાથે ૭૬૪૨૪ પર ઉતરી આવ્યો હતો. જોકે જી - ૭ દેશો દ્વારા ક્રૂડ ઓઇલના મામલે સાનુકૂળ નિર્ણય  લેવાતા બજારની મંદીને બ્રેેક વાગી હતી. 

આજે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૪૨૨.૪૦ પોઈન્ટ  ઘટીને ૨૪,૦૨૮.૦૫ પર ઉતરી આવ્યો હતો. આજે નિફ્ટી ઇન્ટ્રાડે ૭૫૨ પોઈન્ટના કડાકા સાથે ૨૩૬૯૭ પર ઉતરી આવ્યો હતો. આજે નિફ્ટી ૫૦ માં ઘટાડો વ્યાપક હતો. ૫૦ શેરોમાંથી ૪૨ શેરો નુકસાન સાથે બંધ, જ્યારે ફક્ત ૮ શેરોમાં સુધારો થયો હતો.  સેન્સેક્સમાં બોલેલા કડાકાને પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૮.૫૮ લાખ કરોડનું ધોવાણ થતા  અંતે રૂ. ૪૪૧૦.૧૦ લાખ કરોડ રહ્યું હતું.

ડાઉ જોન્સમાં 400 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ : ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી ઉછળી ૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયા સહિતના અન્ય અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ઝડપી પીછેહઠ નોંધાઈ હતી.

ઈરાન યુદ્ધની યુએસ અર્થતંત્ર પર અસર થવાની ભીતિથી રોકાણકારો ચિંતામાં મુકાયા હતા. બીજીતરફ ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી ઉછળી ૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયા બાદ ઊંચી સપાટીથી પાછા ફર્યા હતા.

આ અહેવાલો અને વૈશ્વિક અસ્થિરતાના અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૩૮૯ પોઈન્ટ તુટીને ૪૭,૧૧૨ પર ઉતરી આવ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૬ પોઈન્ટ વધી ૨૨,૩૯૩ પર કાર્યરત હતો.

2026માં સન્સેક્સમાં બોલેલા મોટા કડાડા

તારીખ   

કડાકો પોઇન્ટમાં

૧ ફેબુ્રઆરી

૧૫૪૭

૯ માર્ચ

૧૩૫૨

૧૯ ફેબુ્રઆરી

૧૨૩૬

૨૪ ફેબુ્રઆરી

૧૦૬૯

૨૦ જાન્યુઆરી

૧૦૬૬

૧૩ જાન્યુઆરી

૧૦૪૮

૨ માર્ચ

૧૦૪૮


વૈશ્વિક બજારોમાં નોંધાયેલા ગાબડા

દેશ/ ઇન્ડેક્સ

ગાબડું (પોઇન્ટ)

યુએસ/ ડાઉફ્યુચર્સ

૫૮૦

લંડન/ ફીટસી

૮૩

ફ્રાંસ/ સીએસસી

૧૩૫

જર્મની/ ડેક્સ

૨૯૧

જાપાન/ નિક્કી

૨૮૮૮

સિંગાપોર/ સ્ટ્રેઇટ

૯૨

હોંગકોંગ/ હોંગસેંગ

૩૮૭

તાઇવાન

૧૪૮૯

દ. કોરિયા/ કોસ્પી

૩૩૩

ઇન્ડોનેશિયા

૨૪૮

ચીન/ શાંગહાઇ

૨૮