શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 786 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24900 અંદર
Stock Market Today: ભારતીય શેરબજારમાં સળંગ બીજા દિવસે કડાકો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચતતાઓ અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે સેન્સેક્સ આજે 786.48 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ 25000નું લેવલ તોડી 24806.35ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અંતે સેન્સેક્સ 721.08 પોઈન્ટ તૂટી 81463.09 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 225.10 પોઈન્ટ તૂટી 25000 અંદર 24837 પર બંધ રહ્યો હતો. સળંગ બે દિવસના કડાકામાં રોકાણકારોની મૂડીમાં 8.67 લાખ કરોડનું ગાબડું નોંધાયું છે.
સ્મોલકેપમાં રોકાણકારો રોયા
શેરબજારમાં છેલ્લા બે દિવસથી મંદીનું જોર વધતાં રોકાણકારોએ 8.67 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે ઈન્ટ્રા ડે બીએસઈ ખાતે 205 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપમાં રોકાણકારોને મોટું નુકસાન થયું છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1033.54 પોઈન્ટના કડાકે બંધ રહ્યો હતો. જેમાં સામેલ 839 શેર રેડઝોનમાં, જ્યારે માત્ર 129 શેરમાં પોઝિટીવ બંધ રહ્યા હતાં. ફાઈનાન્સ, મેટલ, એનર્જી, આઈટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, પાવર સેક્ટરના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. બીએસઈ ખાતે સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી 1.81 ટકા, આઈટી 1.65 ટકા, ટેલિકોમ 1.28 ટકા, ઓટો 1.29 ટકા, કેપિટલ ગુડ્સ 1.83 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.09 ટકા, મેટલ 1.64 ટકા, ઓઈલ એન્ડ ગેસ 2.11 ટકા, પાવર 2.36 ટકા, ટેક્નોલોજી 1.17 ટકા, ટેક્નોલોજી 1.17 ટકા ઘટાડે બંધ રહ્યા હતાં.
આ પણ વાંચોઃ ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી.... દાહોદ SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ
છેલ્લા બે દિવસમાં 1286 પોઈન્ટનો કડાકો
શેરબજારમાં સળંગ બીજા દિવસની મંદીમાં સેન્સેક્સ 1286 પોઈન્ટ તૂટ્યો છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે અનિશ્ચિતતા, તેમજ નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના પગલે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઓપનિંગ સેશનમાં ઈન્ડિયા VIX પણ 7 ટકા વધ્યો હતો. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને રૂપિયામાં કડાકાની અસર પણ જોવા મળી છે.