- પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની અસ્થિરતા પછી
- પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બજારની ઊંચી અસ્થિરતા પાછળનું મુખ્ય કારણ નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને યુએસ વેપાર નીતિ
અમદાવાદ : ભારતીય શેરબજારમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ૩૦ વખત ૧% કે તેથી વધુ અને નિફ્ટીમાં ૩૨ વખત વધઘટ જોવાઈ હતી. બીજા અર્ધવાર્ષિક ગાળામાં, સેન્સેક્સમાં માત્ર ૩% અને નિફ્ટીમાં ૪% ની વધઘટ થઈ હતી. ટુંકમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની અસ્થિરતા પછી, બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા હતા.
બજારના સુત્રોએ જણાવ્યું હતું કે નિરાશાજનક કોર્પોરેટ કમાણી અને યુએસ વેપાર નીતિએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બજારની ઊંચી અસ્થિરતામાં ફાળો આપ્યો હતો. બીજા અર્ધવાર્ષિક ગાળામાં, ઓછા નકારાત્મક સમાચાર, સારી કમાણી અને સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણને કારણે બજાર સ્થિર થયું હતું.
પહેલા બે મહિનામાં તીવ્ર ઘટાડો થયો હતો, ત્યારબાદ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા પછીના મહિનામાં તેજી જોવા મળી હતી. બીજા ભાગમાં બજાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યું, પરંતુ પ્રથમ છ મહિનામાં જોવા મળેલા સ્તરોની તુલનામાં લાભ સાધારણ હતો. જ્યારે સૂચકાંકો ધીમે ધીમે વધે છે, ત્યારે અસ્થિરતા ઓછી રહે છે. જૂન ક્વાર્ટરની કમાણી નબળી હતી, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો હકારાત્મક હતા, પરંતુ યુએસ સાથે વેપાર સોદાને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ ઓગસ્ટમાં ૫૦% સુધીનો ટેરિફ લાદ્યો હતો, ત્યારથી વેપાર સોદાની વાટાઘાટોમાં કોઈ પ્રગતિ થઈ નથી.
રસપ્રદ વાત એ છે કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ બીજા છ મહિનામાં રૂ. ૮૫,૦૦૦ કરોડનું વેચાણ કર્યું હતું જે પહેલા છ મહિનામાં રૂ. ૭૨,૦૦૦ કરોડ હતું. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બીજા છ મહિનામાં લગભગ રૂ. ૪ લાખ કરોડનું રોકાણ કર્યું હતું જે પહેલા છ મહિનામાં રૂ. ૩.૫ લાખ કરોડ હતું.
વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ વચ્ચે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી ઇન્ડેક્સને ઝડપથી ઘટતો અટકાવી રહી છે. બીજા છ મહિનામાં આઇપીઓના ઘોડાપૂરને કારણે સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો બંને દ્વારા શેરબજારમાંથી ઉપાડ થયો છે. આગામી થોડા મહિનામાં, જો વેપાર મોરચે કોઈ સમજૂતી થાય અને કોર્પોરેટ પરિણામો અપેક્ષા કરતા સારા આવે, તો બજાર ૧૦-૧૧ ટકાનું વળતર આપી શકે છે.


