સોના-ચાંદીમાં સાન્તા-રેલી : સોનાની ૧૫૦૦ ડોલર તરફ આગેકૂચ : ક્રૂડમાં પણ ચમકારો
- રૂપિયા સામે ડોલર ઉંચકાયો જ્યારે બ્રિટીશ પાઉન્ડ ગબડી ચાલુ બજારે રૂ.૯૨ની અંદર ઉતર્યો સામે યુરો વધી રૂ.૭૯ વટાવી ગયો
- નાતાલ પૂર્વે વિશ્વના વિવિધ બજારો ઉછળ્યા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે તેજી આગળ વધી હતી વિશ્વ બજારમાં નાતાલ પૂર્વે ભાવ ઉછળ્યાના સમાચાર હતા. વિશ્વ બજારના ખેલાડીઓ આ તેજીને સાન્તા-રેલી તરીકે સંબોધી રહ્યા હતા. વિશ્વ બજારમાં ફંડવાળા એકટીવ રહેતાં સોનાના ભાવ આજે વધી ઉંચામાં ઔંશના ૧૪૯૩.૪૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૪૯૦.૧૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ ચાંદીના ભાવ વિશ્વ બજારમાં આજે વધી ઔંશના ૧૭.૬૮ ડોલરહ થઈ સાંજે ભાવ ૧૭.૫૮ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ હતી તથા તેના પગલે ઝવેરી બજારમાં નાતાલ પૂર્વે ભાવ ઉછળતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૧૯ વાળા વધી રૂ.૭૧.૨૯ થઈ છેલ્લે બંધ રૂ.૭૧.૨૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૮ પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડ ગબડયો હતો.
બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૧૨ પૈસા તૂટી ૯૨.૨૩થી ૯૨.૨૪ રહ્યા હતા. આજે ચાલુ બજારે એક તબક્કે પાઉન્ડના ભાવ તૂટી રૂ.૯૨ની અંદર ઉતરી રૂ.૯૧.૯૯ સુધી બોલાયા હતા. દરમિયાન, આજે યુરોના ભાવ પાંચ પૈસા વધી રૂ.૭૮.૯૨થી ૭૮.૯૩ રહ્યા હતા. યુરોના ભાવ આજે એક તબક્કે ઉંચામાં રૂ.૭૯ની ઉપર ગયા હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૮૧૨૮ વાળા ઉછળી રૂ.૩૮૨૯૧ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૨૮૧ વાલા રૂ.૩૮૪૪૫ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૫૦૩૫ વાલા ઉછળી રૂ.૪૫૬૬૦ થઈ રૂ.૪૫૬૩૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૫૫૫૦થી ૪૫૬૦૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૫૫૫૦થી ૪૫૬૦૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૦૦૦થી ૧૧૦૦ ઊંચા રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન સાઉદી અરેબિયા તથા કુવૈત ચાર વર્ષ પછી પ્રથમવાર શેર કરાતા બોર્ડર વિસ્તારમાં ક્રૂડતેલનું ઉત્પાદન ફરી શરૂ કર્યાના સમાચાર હતા. જોકે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આશરે અડધો ટકો વધી સાંજે ભાવ બેરલદીઠ બ્રેન્ટક્રૂડના ૬૬.૭૫થી ૬૬.૮૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ સાંજે ૬૦.૮૦ ડોલર બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભવા આજે સાંજે વધી ઔંશના ૯૪૧.૨૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ સાંજે વધી ૧૮૮૩.૭૦થી ૧૮૮૩.૮૦ ડોલર રહ્યા હતા. દરમિયાન ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સાંજે અડધો ટકો વધ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી આગળ વધી રહ્યાના સમાચાર વચ્ચે વિશ્વ બજારમાં કોપર સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ ઉંચા જઈ રહ્યા હતા.
લંડન એક્સ.માં કોપરના ભાવ આજે વધી ૩ મહિનાની ડિલીવરીના ટનના ૬૨૦૦ ડોલર વટાવી ૬૨૨૦ ડોલર રહ્યાના વાવડ હતા. ત્યાં કોપરનો સ્ટોક આજે ૨૦૨૫ ટન ઘટયો હતો. ત્યાં નિકલનો સ્ટોક આજે ૨૮૨૦ ટન વધ્યો હતો જ્યારે અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયાના સમાચાર હતા. અમેરિકામાં શેરોમાં તેજી વચ્ચે ૨૦૧૯ના વર્ષમાં ત્યાં શેરધારકોની સંપત્તિમાં આશરે પાંચ ટ્રીલીયન ડોલરની વૃદ્ધી થઈ હોવાના સમાચાર હતા.