ડૉલરની મજબૂતાઈ સાથે રૂપિયો ઝાંખો પડ્યો, આજે વધુ 11 પૈસા તૂટી 85.97ના રૅકોર્ડ તળિયે
Dollar Vs Rupee: ભારતીય રૂપિયો ડૉલરની મજબૂત માગ સામે પોતાની ચમક ટકાવી રાખવા નિષ્ફળ રહ્યો છે. આજે ડૉલર સામે રૂપિયો ઘટાડા તરફી ખુલ્યા બાદ વધુ 11 પૈસા તૂટી 85.97ના રૅકોર્ડ તળિયે પહોંચ્યો છે. જે ગઈકાલે 85.86 પર બંધ રહ્યો હતો. આજે રૂપિયો ઇન્ટ્રા ડે 85.8638થી 85.9750ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો.
ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ મામલે હોકિશ વલણ દર્શાવવામાં આવતાં યુએસ ડૉલર અને ટ્રેઝરી યિલ્ડ સતત નવી ટોચ નોંધાવી રહ્યા છે. બીજી તરફ ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી તેમજ ક્રૂડ ઓઇલના ભાવો વધતાં આયાતકારો તરફથી ડૉલરની માગ વધી છે.
RBIએ પગલાં લેવા પડશે
ફોરેક્સ નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડૉલર સામે છેલ્લા 15 દિવસથી સતત નબળો પડી રહ્યો છે. દેશનો જીડીપી ગ્રોથ નબળો રહેવાની શક્યતા તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ નબળા રહેવાની અપેક્ષા સાથે સેન્ટિમેન્ટ ખરડાયું છે. આરબીઆઇએ રૂપિયાને વધુ તૂટતો બચાવવા ડૉલરની મોટાપાયે વેચવાલી કરવી પડશે.
આ પણ વાંચોઃ 90 કલાક કામ કરવાની સલાહ આપનારા L&T ચેરમેન થયા ટ્રોલ, કંપનીએ કર્યો લૂલો બચાવ
રૂપિયો નબળો પડતાં શું થશે અસર?
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાતો મોંઘી થશે. ક્રૂડ ઓઇલના ભાવોમાં વૃદ્ધિની સાથે રૂપિયો પણ ગગડ્યો છે. પરિણામે 80 ટકા આયાત પર નિર્ભર ભારત માટે ક્રૂડની ખરીદી મોંઘી બનશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. આ સિવાય, સેમી કંડક્ટર ચીપ્સની આયાત પણ મોંઘી થતાં ઈલેક્ટ્રોનિક્સ સાધનોની કિંમત વધશે. બીજી તરફ નિકાસકારોને ડૉલરમાં વધુ કમાણી થશે. સેવાઓની નિકાસ કરતી આઇટી, ફાર્મા કંપનીઓનો નફો વધશે, કમાણી વધશે.