Rupee falls: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, 89.61ના સ્તરે પહોંચ્યો

Rupee vs Dollar : ડૉલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. શુક્રવારે એક ડૉલર સામે રૂપિયે 71 પૈસા ગગડીને 89.46 રૂપિયા પર ટ્રેડ થયો હતો, જે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે અને તેના ઈન્ટ્રા-ડેમાં છેલ્લા છ મહિનામાં સૌથી મોટો ઘટાડો થયો છે. ગુરુવારે (20 નવેમ્બર) રૂપિયો 20 પૈસા નબળો પડીને ₹88.68 પર બંધ થયો હતો.
ડૉલરની ભારે માંગ વધતાં રૂપિયા પર અસર
કરન્સી નિષ્ણાંતોનું માનવું છે કે, ડૉલરની ભારે માંગ વધી છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંકનું આંશિક હસ્તક્ષેપ હોવાના કારણે, તેની અસર રૂપિયા પર પડી છે. રૂપિયો બપોરે 03.05 કલાકે 89.46 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેની શરૂઆત 88.67 રૂપિયાથી થઈ હતી. જ્યારે રૂપિયો ગઈકાલે 88.70 પર બંધ થયો હતો.
આ પણ વાંચો : હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ
અગાઉ રૂપિયો 89 પૈસા ગગડ્યો હતો
આ પહેલા 8 મે-2025ના રોજ ડૉલર સામે રૂપિયામાં 89 પૈસાનો ઘટાડો થયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે, રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. વૈશ્વિક માર્કેટમાં ડૉલર મજબૂત થયું છે, જ્યારે ઘરેલું આર્થિક દબાણના કારણે રૂપિયામાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રૂપિયો સતત દબાણ હેઠળ
નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત થવાની આશા ખતમ થવાના તેમજ અમેરિકા-ભારત વિવાદના કારણે રૂપિયો સતત દબાણ હેઠળ છે. ઓગસ્ટનાં અંતે ભારતથી નિકાસ થતી પ્રોડક્ટ પર અમેરિકન ટેરિફ લાગુ થયા બાદ રૂપિયો સતત ગગડી રહ્યો છે.

