Business

ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો

By GS Team
15 May 20262 mins read
ડોલર સામે રૂપિયો વધુ તૂટી  96ની નજીક 95.97 સુધી પટકાયો

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે વધુ ઉંચા બંધ આવ્યા હતા. ડોલરના ભાવ રૂ.૯૫.૭૧ વાળા આજે સવારે રૂ.૯૫.૭૩ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૬ નજીક રૂ.૯૫.૯૭ સુધી પહોંચ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૫.૫૮ થઈ રૂ.૯૫.૭૯ રહ્યા હતા. એશિયાની વિવિધ કરન્સીઓના ભાવ જોતાં ડોલર સામે ભારતના રૂપિયાનો દેખાવ સૌથી નબળો રહ્યો હોવાનું  બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, આ વર્ષે ડોલર સામે રૂપિયો છ ટકા ગબડયો છે જ્યારે ચીનની કરન્સી માત્ર દોઢ ટકા ઘટી છે સામે જાપાનની કરન્સી ત્રણ ટકા વધી છે. મુંબઈ શેરબજારમાં આજે તેજી ઝડપથી આગળ વધી હતી તથા વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચા મથાળે નરમ હતા અને તેના પગલે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો તૂટયા પછી ઉંચકાયો હતો.

દરમિયાન, ડોલરમાં આજે અમુક સરકારી બેન્કોની ઉંચા મથાળે વેચવાલી પણ જોવા મળી હતી. ભારતમાં હવે રિઝર્વ બેન્ક દ્વારા શુક્રવારે બહાર પડનારા ફોરેક્સ રિઝર્વના ડેટા પર બજારની નજર રહી હતી.  ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૯૮.૪૨ તથા ઉંચામાં ૯૮.૫૬ થઈ ૯૮.૫૦ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૧૩ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૯.૭૩ થઈ રૂ.૧૨૯.૫૧ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૨.૩૮ થઈ રૂ.૧૧૨.૨૧ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિય સામે ૦.૧૦ ટકા પ્લસમાં રહી હતી. 

જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૧૭ ટકા વધી હતી. દરમિયાન, અમેરિકા તથા ચીનના પ્રમુખ વચ્ચે મિટિંગના માહોલમાં વિશ્વબજારમાં ડોલર સામે ચીનની કરન્સી ઓફફ શોર ટ્રેડમાં ઉંચકાઈ ત્રણ વર્ષની ટોચે પહોંચતા ચીનની કરન્સી યુઆનના ભાવ ડોલર સામે વધી ૬.૭૯ યુઆન થયાના વાવડ મળ્યા હતા. ટ્રમ્પની ચીનની મુલાકાત પછી હવે કદાચ સપ્ટેમ્બરમાં ચીનના પ્રમુખ અમેરિકાની મુલાકાતે આવશે એવા સંકેતો વિશ્વબજારમાંથી મળી રહ્યા હતા.