Get The App

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો

- ફુગાવો વધશે: પાઉન્ડ ઉછળ્યો: યુરો વધી રૂ.૧૦૭

- વોરેન બફેટએ ડોલર વેચી જાપાનના યેન ખરીદવા આપેલો સંકેત

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો 1 - image

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો વધુ કડાકા વચ્ચે નવા તળિયે ઉતરી નીચામાં રૂપિયો એક તબક્કે રૂ.૯૧.૦૮ સુધી જતો રહેતાં કરન્સી બજારના ઈતિહાસમાં પ્રથમ વાર ડોલરના ભાવ રૂ.૯૧ની સપાટી કુદાવી ગયા હતા.

શેરબજારમાં ઝડપી ઘટાડો તથા દેશમાંથી ડોલરનો આઉટફલો વધતાં તેમ જ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારમાં વિલંબના પગલે કરન્સી બજારમાં રૂપિયો રોજેરોજ ગબડતો જોવા મળ્યો છે.  રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે તથા તેના પગલે મોંઘવારી પણ વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

મુંબઈ બજારના આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૭૪ વાળા સવારે રૂ.૯૦.૭૯ ખુલી નીચમાં ભાવ રૂ.૯૦.૭૬ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૧ પાર કરી રૂ.૯૧.૦૮ની નવી ટોચ બતાવી છેલ્લે બંધ ભાવ રૂ.૯૧.૦૨ રહ્યા હતા.  રૂપિયા સામે આજે ડોલરના ભાવ વધુ ૨૮ પૈસા વધતાં રૂપિયો વધુ ૦.૩૧ ટકા તૂટયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટયાના સમાચાર છતાં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું. ભારતની વેપાર ખાધ વધતા અટકી ઘટાડા પર રહ્યાના સમાચારની પણ રૂપિયા પર આજે કોઈ પોઝીટીવ ઈમ્પેકટ દેખાતી ન હતી તથા રોજેરોજ ભાવ નવા નીચા તળિયે ઉતરતા દેખાયા હતા.  નવા વર્ષમાં રૂપિયો ડોલર સામે વધુ ગબડી રૂ.૧૦૦ના તળિયે ઉતરી જશે એવી શક્યતા પણ હવે કરન્સી બજારમાં ચર્ચાતી થઈ છે!

આ વર્ષે રૂપિયો આશરે ૭ ટકા ગબડયો છે તથા આવતા વર્ષે ૨૦૨૬માં પણ રૂપિયો દબાણ હેઠળ રહ્યાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૧૭થી રૂપિયો દર વર્ષે સરારેશ ૪ ટકા તૂટતો રહ્યો છે તથા હવે આવી ટકાવારી ૬થી ૭ ટકાના સ્તરે પહોંચી છે. ૨૦૧૨માં ડોલરના ભાવ રૂ.૪૮ હતા તે હવે રૂ.૯૧ ઉપર ગયા છે. રૂપિયાના વેલ્યુમાં ૯૦ ટકાનું ધોવાણ આ ગાળામાં થયું છે. 

દરમિયાન, આજે મુંબઈ બજારમાં રૂપિયા સામે ડોલર ઉછળી રહ્યો હતો ત્યારે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઘટી રહ્યાના વાવડ પણ મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૩૨ તથા નીચામાં ૯૮.૨૧ થઈ ૯૮.૨૩ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટી બે મહિનાના તળિયે ઉતર્યાના વાવડ હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધુ ૩૨ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૧.૭૯ થઈ છેલ્લે ભાવ આજ મથાળે બંધ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૪૪ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૭.૦૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૭.૦૦ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૩૮ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૩૨ ટકા ઉંચકાઈ હતી. હવે રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયાને વધુ ગબડતો અટકાવવા કેવો વ્યુહ અપનાવાય છે.

 તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન, અમેરિકાની મોટી ઈન્વેસ્ટમેન્ટ કંપની બર્કશાયરના વોરેન બફેટના જણાવ્યા મુજબ તેમના હસ્તકના આશરે ૩૪૮ અબજ ડોલરની રકમને જાપાનની કરન્સીમાં ફેરવવા પ્રયત્નો શરૂ કરાયા છે.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૧.૦૨

પાઉન્ડ

રૃા. ૧૨૧.૭૯

યુરો

રૃા.૧૦૭.૦૦

યેન

રૃા. ૦.૫૯

Tags :