EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ
EPF Rules Change: કેન્દ્ર સરકાર દ્વારા પગારદારોને પીએફમાં મોટી રાહતો મળી રહે તે હેતુ સાથે અવારનવાર ફેરફારો કરવામાં આવે છે. હાલમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કરતાં પગારદારોને મોટી રાહત મળી છે. જે કર્મચારીઓ પહેલી વાર ઘર ખરીદવા માગે છે તેમણે ડાઉન પેમેન્ટની ચિંતા કરવાની જરૂર નથી. હવે તેઓ ઈપીએફ ખાતામાંથી ઉપાડ કરી ડાઉન પેમેન્ટ ચૂકવી શકે છે. જેથી કર્મચારીઓ માટે મકાન ખરીદવુ સરળ બનશે.
3 વર્ષ બાદ 90 ટકા સુધી પીએફ ઉપાડ શક્ય
ઈપીએફઓની ઈપીએફ યોજના 1952માં નવી જોગવાઈ પેરા 68-BD ઉમેરવામાં આવી છે. જે હેઠળ હવે કોઈ પણ સભ્ય પોતાના પીએફ ખાતામાંથી 3 વર્ષ બાદ 90 ટકા સુધી રકમ ઉપાડી શકશે. આ રકમ મકાનના ડાઉન પેમેન્ટ, ઈએમઆઈ ચૂકવણી તથા ઘરના રિનોવેશનમાં ઉપયોગ લઈ શકાશે.
આ પણ વાંચોઃ FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા
પહેલાં શું હતો નિયમ?
અગાઉ, પીએફ ખાતામાંથી ઉપાડ માટે ઓછામાં ઓછા 5 વર્ષનું સભ્યપદ જરૂરી હતું. ઉપાડની રકમ કર્મચારી અને નોકરીદાતાના યોગદાન અને તેના પર મળેલા વ્યાજ અથવા મિલકતની કિંમત, જે પણ ઓછું હોય તે 36 મહિના સુધી હોઈ શકે છે. ઉપરાંત, જો કોઈ સભ્ય હાઉસિંગ યોજના સાથે સંકળાયેલ હોય, તો તે ઉપાડ કરી શકતો ન હતો.
પીએફ ઉપાડ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત
પીએફના ખાતેદારો પોતાના જીવનમાં ફક્ત એકવાર જ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે આ ફેરફાર ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપશે નહીં, પરંતુ મધ્યમ વર્ગનું "પોતાના ઘર"નું સ્વપ્ન પણ સાકાર કરશે. આ ફેરફાર ભારતીય હાઉસિંગ માર્કેટ માટે "ગેમ-ચેન્જર" સાબિત થઈ શકે છે. જો કે, 90 ટકા સુધીનો ઉપાડ એક જ વાર થઈ શકશે. જેથી પીએફ ખાતેદારોએ ઉપાડ સમયે પોતાની નિવૃત્તિ સમયે નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડશે.