AI Image |
Robert Kiyosaki Crash Warning: 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વને ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ ખૂબ જ નજીક છે. જોકે, આ આફતની વચ્ચે તેમણે રોકાણકારો માટે અમીર બનવાની તક પણ જણાવી છે.
સૌથી ખરાબ સ્વપ્ન સાબિત થશે આ ક્રેશ
મશહૂર લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, "હું તમને ચેતવણી આપી રહ્યો છું, વર્ષ 2013માં પ્રસિદ્ધ થયેલી મારી પુસ્તક 'રિચ ડેડ્સ પ્રોફેસી'માં મેં ઇતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ક્રેશની ચેતવણી આપી હતી, જે હવે આવવાની તૈયારીમાં જ છે." કિયોસાકીના મતે જે લોકો આ માટે તૈયાર નથી, તેમના માટે આ ક્રેશ એક ડરામણા સ્વપ્ન સમાન હશે.
અમીર બનવાની સુવર્ણ તક
કિયોસાકીએ આ નિરાશાજનક સમાચારની સાથે એક આશાનું કિરણ પણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકોએ અગાઉથી તૈયારી કરી છે, આ ક્રેશ તેમને તેમના સપના કરતા પણ વધુ અમીર બનાવી દેશે.કિયોસાકી માને છે કે માર્કેટ જ્યારે ક્રેશ થાય છે ત્યારે કિંમતી એસેટ્સ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. આ જ સમય અમીર બનવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પાસે અસલી સોનું, ચાંદી, ઇથેરિયમ અને બિટકોઇન છે, કોઈ પેપર એસેટ્સ કે નકલી વસ્તુઓ નથી.
બિટકોઇન પર ભરોસો
રોબર્ટ કિયોસાકી બિટકોઇન (Bitcoin) ને લઈને અત્યંત આશાવાદી (Bullish) છે. તેમણે જણાવ્યું કે બિટકોઇનની કિંમત જેમ જેમ નીચે જશે, તેમ તેમ તેઓ વધુ ખરીદી કરશે. તેમણે તર્ક આપ્યો કે બિટકોઇનની સંખ્યા મર્યાદિત (માત્ર 21 મિલિયન) છે, તેથી જ્યારે લોકો ગભરાટમાં આવીને વેચાણ કરશે, ત્યારે તેઓ તેને ખરીદીને પોતાની સંપત્તિમાં વધારો કરશે.
નોંધ : નિષ્ણાતોની ભલામણ, સૂચન અને વિચાર તેમના પોતાના અભિપ્રાય છે, રોકાણ જોખમોને અધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની જરૂરથી સલાહ લો.


