- બજારમાં વોલેટિલિટીને પરિણામે ક્યુઆઈપીસ તરફના આકર્ષણમાં ઘટાડો
- સેબીના સુધારિત ધોરણ પ્રમાણે રાઈટસની મંજુરી બાદ કામકાજના 23 દિવસની અંદર રાઈટસ ભરણાં પૂરા કરવાના રહે છે
મુંબઈ : ૨૦૨૫ના વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત વિક્રમી નાણાં ઊભા કરવામાં આવ્યા છે ત્યારે રાઈટસ ઈશ્યુ મારફત પણ જંગી નાણાં ઊભા કરાયાનું જોવા મળ્યું છે. ૨૦૨૫માં આવેલા રાઈટસ ઈશ્યુની સંખ્યા ૨૮ વર્ષની ટોચે રહી છે.
પ્રાપ્ત ડેટા પ્રમાણે સમાપ્ત થઈ રહેલા ૨૦૨૫માં કુલ ૪૨ કંપનીઓએ રાઈટસ ઈશ્યુ મારફત રૂપિયા ૪૩૯૦૬ કરોડ ઊભા કર્યા હતા. ૨૦૨૪માં ૧૯ કંપનીઓએ રાઈટસ ઈશ્યુ બહાર પાડયા હતા.
૨૦૨૫ના રાઈટસ ઈશ્યુનો આંક ૧૯૯૭ પછીનો શ્રેષ્ઠ રહ્યો છે. બીજી બાજુ કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપીસ)માં ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં કરેકશનને પરિણામે ૨૦૨૫માં કયુઆઈપીસમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
૨૦૨૪માં ૯૫ કયુઆઈપીસ મારફત કંપનીઓએ રૂપિયા ૧૩૬૦૬૦ કરોડ ઊભા કર્યા હતા જે વર્તમાન વર્ષમાં ૩૫ કંપનીઓએ રૂપિયા ૭૨૨૯૦ કરોડ ઊભા કર્યા છે.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા રાઈટસ ભરણાં માટેના ધોરણોને હળવા બનાવવાને કારણે પણ કંપનીઓ રાઈટશ ઈશ્યુ મારફત નાણાં ઊભા કરવાનું પસંદ કરી રહી છે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
સેબીના સુધારિત ધોરણ પ્રમાણે રાઈટસની મંજુરી બાદ કામકાજના ૨૩ દિવસની અંદર રાઈટસ ભરણાં પૂરા કરવાના રહે છે, કંપનીઓએ લેટર ઓફ ઓફરનો મુસદો રજૂ કરવાનો રહેતો નથી અને ભરણાં માટે મરચંટ બેન્કરની નિમણૂંક કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાઈટસ મારફત કંપનીઓ તેમના શેરધારકોને નવા ઈક્વિટી શેર્સ ઓફર કરી નાણાં ઊભા કરી શકે છે.
શેરબજારમાં ભારે વોલેટિલિટી ખાસ કરીને સ્મોલકેપમાં વોલેટિલિટીથી ક્યુઆઈપી ભરણાં કરવાનું કંપનીઓ માટે મુશકેલ બની રહ્યું છે. બજારમાં જ્યારે કરેકશન આવે છે ત્યારે સંસ્થાકીય ખરીદદારોને આકર્ષવાનું કઠીન રહે છે એમ રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે.


