Business

નવરાત્રીમાં વાહનોનું રિટેલ વેચાણ ૧૧ લાખને પાર

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા મુજબ, વીજ સંચાલિત વાહનોના વેચાણમાં 26.78%નો નોંધપાત્ર વધારો થયો છે. કુલ 1,17,437 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. જોકે, એકંદર વાહન વેચાણ 6.52% ઘટીને 11 લાખથી વધુ રહ્યું છે. ટુ-વ્હીલર અને પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રીમાં  વાહનોનું રિટેલ  વેચાણ ૧૧ લાખને પાર

વીજ સંચાલિત વાહનોના વેચાણમાં દસ દિવસમાં ૨૬ ટકાથી વધુનો વધારો
મુંબઈ : સમાપ્ત થયેલી નવરાત્રીમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ૧૧ લાખ વ ાહનોને પાર કરી ગયો હતો. ૨૦૨૫ની નવરાત્રીમાં ૧૨.૦૧ લાખની સામે વર્તમાન વર્ષની નવરાત્રીમાં વાહનોનો વેચાણ આંક ૬.૫૨ ટકા નીચો રહ્યો છે. જો કે ૨૦૨૫માં નવરાત્રી ૧૧ દિવસની હતી જ્યારે વર્તમાન વર્ષમાં આ તહેવાર દસ દિવસ ચાલ્યો છે.
૨૦૨૪ની નવરાત્રીની સરખામણીએ વાહનોના એકંદર વેચાણમાં વર્તમાન વર્ષની નવરાત્રીમાં ૨૬.૭૫ ટકા વધારો જોવા મળ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટામાં જણાવાયું હતું. ૨૦૨૪ની નવરાત્રીમાં વેચાણ આંક ૮.૮૫ લાખ વાહનો રહ્યો હતો.
૧૧,૨૩,૦૮૬ વાહનોના વેચાણનો અર્થ નવરાત્રીના દસ દિવસમાં દૈનિક ૧.૧૨ લાખ જેટલા વાહનોનું રિટેલ વેચાણ થયાનું કહી શકાય એમ છે.
વર્તમાન વર્ષની નવરાત્રીમાં વીજ સંચાલિત વાહનોનું વેચાણ ૨૬.૭૮ ટકા જેટલુ ઊંચુ રહ્યું છે. ગયા વર્ષની નવરાત્રીમાં ૯૨૬૨૮ની સરખામણીએ વર્તમાન વર્ષના આ તહેવારમાં વીજ વાહનોનો વેચાણ આંક ૧,૧૭,૪૩૭ સાથે ૨૬.૭૮ ટકા વધુ રહ્યો છે.
ઈ-વ્હીકલ્સમાં ટુ વ્હીલર્સમાં ૩૩.૪૦ ટકા જ્યારે ઊતારૂ વાહનોના વેચાણમાં ૨૬ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાત બાદ વાહનોની ખરીદીમાં શરૂ થયેલો ઉત્સાહ છેલ્લા એક વર્ષથી જળવાઈ રહ્યાનું જોવા મળ્યું છે. વર્તમાન વર્ષની નવરાત્રીમા ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણમાં ઘટાડો થયો છે પરંતુ અન્ય વાહનો જેમ કે કમર્સિઅલ વ્હીકલ્સ તથા ટ્રેકટર્સના વેચાણમાં સાધારણ વધારો જોવા મળ્યો છે.
ટુ વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે ૨.૭૯ ટકા ઘટી ૮.૩૪ લાખ રહ્યું છે. જો કે ઊતારૂ વાહનોનું વેચાણ ૨૧.૯૧ ટકા ઘટી ૧.૮૨ લાખ એકમ રહ્યું છે જ્યારે કમર્સિઅલ વાહનોનું વેચાણ ૧.૧૨ ટકા વધી ૩૫૬૧૮ તથા ટ્રેકટર્સનું વેચાણ દસ દિવસમાં ૦.૮૯ ટકા વધી ૨૨૬૯૦ એકમ રહ્યાનું ફાડા તરફથી પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. થ્રી વ્હીલર્સનું વેચાણ ૭.૫૧ ટકા ઘટી ૪૫૭૩૫ એકમ રહ્યુ હતું.ગયા વર્ષની નવરાત્રીમાં જીએસટીમાં કરાયેલા કપાતને પરિણામે તે વેળાએ ઊતારૂ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.
ઊતારૂ વાહનોના વેચાણમાં ઘટાડાને માગ નબળી પડી હોવાનું કહી શકાય નહીં કારણ કે જીએસટીમાં કપાત બાદ ઊતારૂ વાહનોનું વેચાણ અગાઉ જ વિક્રમી જોવાયુ છે એમ ફાડાના સુત્રોએ જણાવ્યું હતું.વિવિધ પ્રકારના વાહનોની કિંમતમાં વધારો છતાં ખરીદદારોનો મૂડ પોઝિટિવ જોવા મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.