અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરે તેવા અહેવાલોને પગલે આઇટી શેરોમાં ઘટાડો
- સેન્સેક્સમાં 215 અને નિફ્ટીમાં 54 પોઇન્ટનો ઘટાડો
- ઇન્ફોસિસ 2.89 ટકા ઘટીને 693, ટીસીએસ 2.20 ટકા ઘટીને 2070, વિપ્રો 1.82 ટકા ઘટીને 243ની સપાટીએ બંધ
મુંબઇ, તા. 22 નવેમ્બર, 2019, શુક્રવાર
અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરે તેવા અહેવાલો ને પગલે આઇટી સેક્ટરમાં ઉથલપાથલ અને વેપાર યુદ્ધ અંગે ચીનના પ્રમુખના નિવેદનને પગલે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
દિવસના અંતે સેન્સેકસ 215.74 પોઇન્ટ એટલે કે 0.53 ટકા ઘટીને 40,360 પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આવી જ રીતે નિફટી 54 પોઇન્ટ એટલે કે 0.45 ટકા ઘટાડા સાથે 11,915 પોઇન્ટના સ્તરે બંધ રહી હતી. આ સતત બીજો દિવસ છે જ્યારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો જોવા મળ્યો છે.
શુક્રવારે આઇટી સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઇ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો દિવસના અંતે ઇન્ફોસિસના શેર 2.89 ટકા ઘટીને 693.15 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. આવી જ રીતે ટીસીએસ 2.20 ટકા ઘટી 2070.55 રૂપિયાના ભાવે બધ રહ્યો હતો.
વિપ્રોનો શેર 1.82 ટકા ઘટીને 243.05 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. આઇટી સેક્ટરના શેરોમાં ઘટાડાનું કારણ અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરે તેવા અહેવાલો છે.
મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન વહીવટી તંત્ર પ્રવાસીઓ માટેના વર્ક વિઝામાં ફેરફાર કરી શકે છે. જો આમ થશે તો તેની અસર ભારતીય આઇટી પ્રોફેશનલ પર જોવા મળશે.
આ દરમિયાન અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધ અંગે પણ ચીનના પ્રમુખ જિનપિંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તે અમેરિકા સાથે વેપાર સમજૂતી પર કાર્ય કરવા માગે છે પણ કોઇ પણ પ્રકારનો સંઘર્ષ થશે તો તે તે માટે પણ તૈયાર છે.