મિડલ ક્લાસને સરપ્રાઇઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરુ
RBI MPC Meeting: રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)ની બેઠક આજથી શરુ થઈ ગઈ છે. આ બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં સુધારા સહિત અનેક નાણાકીય મુદ્દાઓ પર નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત 1 ઑક્ટોબરના રોજ થશે. અગાઉ ગત એમપીસી બેઠકમાં રેપો રેટમાં 5.50 ટકા પર જાળવી રાખ્યો હતો.
આ વખતે રેપો રેટ મુદ્દે નિષ્ણાતો બે મત છે. અમુક નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં રેપો રેટ યથાવત રાખી શકે છે. જ્યારે અમુકે વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા દર્શાવી છે. હાલ રેપો રેટ 5.50 ટકા છે. આ વર્ષની શરુઆતથી અત્યારસુધી આરબીઆઈએ તેમાં 1 ટકાનો ઘટાડો કર્યો છે. જેમાં ફેબ્રુઆરીમાં 0.25 ટકા, એપ્રિલમાં 0.25 ટકા, અને જૂનમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો.
આ પણ વાંચોઃ RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી
રેપો રેટ યથાવત્ રાખશે
આઇડીએફસી ફર્સ્ટ બૅંકના રિપોર્ટ અનુસાર, આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત રાખવાની અપેક્ષા છે. જેની પાછળનું કારણ ફુગાવામાં ઘટાડો તેમજ જીએસટીમાં સુધારાથી માગ પર સકારાત્મક અસર છે. નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં અપેક્ષા કરતાં વધુ જીડીપી ગ્રોથ નોંધાયો છે. જ્યારે એસબીઆઇ રિપોર્ટ અનુસાર, ભારત-અમેરિકા વેપાર મંત્રણાની અટકી પડેલી વાતો વચ્ચે જીએસટી સુધારાએ માગ અને વપરાશને વેગ આપ્યો છે. જીએસટીમાં સુધારાથી ફુગાવો 2004 બાદ તેના ઐતિહાસિક તળિયે નોંધાવાની શક્યતા છે. જેથી વ્યાજદરોમાં ઘટાડો આરબીઆઈ માટે સારો વિકલ્પ છે. આરબીઆઇએ ઑગસ્ટની બેઠકમાં વ્યાજના દ 5.50 ટકા જાળવી રાખ્યા હતા.
સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(SBI)ના ગ્રૂપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડૉ. સૌમ્ય કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, 'અમારું માનવું છે કે CPI ફુગાવો હજુ તળિયે પહોંચ્યો નથી, અને GST સુધારાથી 65-75 બેસિસ પોઇન્ટનો વધુ ઘટાડો થઈ શકે છે. FY27 માં પણ ફુગાવો નરમ રહેશે અને GST કાપ વિના તે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં 2 ટકાથી નીચે નોંધાયો હતો. FY27માં ફુગાવો 4 ટકા અથવા તેનાથી નીચે રહેશે. જીએસટીમાં સુધારાના પગલે ઑક્ટોબરમાં ફુગાવો 1.1 ટકાની આસપાસ રહી શકે છે, જે 2004 પછીનો સૌથી નીચું સ્તર છે.'