Get The App

કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર

- ભારતમાંથી ડોલરના આઉટફલો પર અંકૂશ મેળવવા માટેની કવાયત

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર 1 - image

મુંબઈ : ઓવરસીઝ ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (ઓડીઆઈ) રુટ હેઠળ ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં કરવામાં આવેલા ઈન્વેસ્ટમેન્ટ પ્રમાણિક વેપારમાં જ કરવામાં આવ્યા છે કે કેમ તેની દેશના નિયમનકારી સત્તાવાળા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

દેશમાંથી ડોલરના પ્રવાહને અટકાવવા વડા પ્રધાન દ્વારા સોનાની ખરીદી તથા વિદેશ પ્રવાસ પર કાપ મૂકવા કરાયેલી હાકલ બાદ સત્તાવાળા દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

જે કંપનીઓએ  છેલ્લા કેટલાક સમયમાં વિદેશમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા છે  તે કરવા પાછળનો ઈરાદો તથા વ્યવહારિકતા બાબત રિઝર્વ બેન્કના ફોરેકસ વિભાગે તપાસ શરૂ કરી છે. 

છેલ્લા કેટલાક સમયથી ઓડીઆઈમાં  થયેલા વધારાને પગલે સત્તાવાળા સચેત બન્યા છે. 

ગત નાણાં વર્ષમાં કુલ વાર્ષિક ઓડીઆઈ આઉટફલોસ ૨૭ અબજ ડોલર રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૨૪માં ૧૪.૫૦ અબજ ડોલર હતો. ભારતીય કંપનીઓ ઓડીઆઈ રુટ હેઠળ વિદેશમાં ઈક્વિટી, લોન્સ તથા ગેરન્ટીના સ્વરૂપમાં વિદેશમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. 

ભારતીય કંપનીઓ ઓડીઆઈ માટે યુએઈ, સિંગાપુર તથા અમેરિકાને પ્રાધાન્ય આપે છે. 

કરાયેલા ઈન્વેસ્ટમેન્ટસનો વ્યવસાયીક ઉપયોગ શું થયો છે, ફન્ડનો ઉપયોગ કયાં કરવામાં આવી રહ્યો છે, રોકાણ કયાં કરાયું છે તથા રોકાણ પાછુ મેળવવાની યોજના શું છે વગેરે બાબતો રિઝર્વ બેન્ક ચકાસી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

એક કંપની અથવા લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ પોતાની નેટ વર્થની ચાર ગણી રકમ ઓઈડીઆઈ માટે રેમિટ કરી શકે છે, જો કે આ ઈન્વેસ્ટમેન્ટ પ્રમાણિક વેપારમાં થવુ જરૂરી છે. 

દેશમાંથી ઓડીઆઈ આઉટફલોસને ઘટાડવા સરકાર કેટલાક નિયમોને સખત બનાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ભારતીય રૂપિયા પર તથા ફોરેકસ રિઝર્વ પર આવેલા દબાણને ઘટાડવા સરકાર ડોલરના આઉટફલોને અટકાવવા માગે છે.