એશિયન કરન્સીમાં તેજી અને રૂપિયામાં એકતરફી ઘટાડાની વિસંગતતા
અમદાવાદ : ભારતીય રૂપિયામાં છેલ્લા એક-દોઢ મહિનાથી સતત ઘસારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રૂપિયાની વેલ્યુમાં યુએસ ડોલર સામે અંદાજે ૨.૫ ટકાનું અવમૂલ્યન જોવા મળ્યું છે. એશિયન બજારો અને એશિયન કરન્સીના વધારા-ઘટાડાને અવગણીને રૂપિયામાં એકતરફી ઘટાડો અને રોજબરોજ નવા ઐતિહાસિક તળિયા જોવા મળી રહ્યાં છે. ડિસેમ્બર મહિનાના આ ૧૫ દિવસમાંજ ૯૦ની સપાટી કુદાવ્યા બાદ આજે ૯૧ રૂપિયા પ્રતિ યુએસ ડોલરના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યા બાદ હવે બેંકિંગ વર્તુળોમાં મજબૂત ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્રીય બેંક આરબીઆઈ તરફથી વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
ડોલર પ્રવાહના અસંતુલન, યુએસ-ભારત વેપાર સોદાના અભાવ અને રોકાણકારોની સાવચેતીને કારણે આ નબળાઈ વધુ વધી ગઈ છે. આયાતકારો પહેલેથી જ તેમની પોઝીશનનું હેજિંગ કરી રહ્યા છે અને વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સાવચેતીભર્યું વલણ દાખવી રહ્યાં છે તે કારણે ચલણ પર સતત દબાણ આવી રહ્યું છે.
એશિયન ચલણોના દૈનિક વધઘટથી રૂપિયો હવે ઓછો પ્રભાવિત થયો છે. ફ્લોટેશન સિસ્ટમનું વર્ચસ્વ વધ્યું છે, જેના કારણે રૂપિયાની ઘટાડાની ગતિ વધી રહી છે. આ કારણે જ રૂપિયામાં વધુ અવમૂલ્યનની અટકળો અને સટ્ટાબાજીની શક્યતાઓ વધી છે. છેલ્લા એક મહિનામાં થાઈ બહાત ૩ ટકાથી વધુ મજબૂત થયો છે, જ્યારે ચાઈનીઝ યુઆન, મલેશિયન રિંગિટ અને સિંગાપોર ડોલરમાં ઓછામાં ઓછો ૧ ટકાનો વધારો નોંધાયો છે તો સામે પક્ષે ભારતીય ચલણમાં એકતરફી મંદી સરકાર, આરબીઆઈ, આયાતકારો-નિકાસકારો અને અર્થશાસ્ત્રીઓ-નીતિનિર્માતાઓની ચિંતા વધારી રહી છે.
એકતરફ ભારતનું મજબૂત થતું અર્થતંત્ર, મોંઘવારી અને વ્યાજદરના સકારાત્મક આંકડા છતા ભારતીય રૂપિયામાં ઘસારાનો એકતરફી દોર, એશિયન માર્કેટોથી વિપરીત ચાલ શંકા ઉપજાવે છે કે રૂપિયામાં મોટાપાયે સટ્ટાબાજી થઈ રહી છે. રૂપિયામાં આશંકિત આ ખેલનો અગાઉ પણ આરબીઆઈએ તાજેતરમાં બે વખત પર્દાફાશ કર્યો હતો.
આ વર્ષે અગાઉ પણ રૂપિયાની નબળાઈના સમાન સમયગાળા દરમિયાન એશિયન સંકેતોથી વિપરીત ચલણ નબળું પડયું અને સટોડિયાઓએ શોર્ટ પોઝીશન બનાવવાનું શરૂ કર્યું હતુ. આરબીઆઈના ધ્યાને આ બાબત ચઢતા હસ્તક્ષેપ કર્યો હતો. ઉદાહરણ તરીકે ગત મહિને બે વાર આરબીઆઈએ ઘટાડાને રોકવા માટે સ્પોટ અને નોન-ડિલિવરેબલ ફોરવર્ડ માર્કેટ ઉપર આકર પગલા ભર્યા હતા.
ઓક્ટોબર અને ફેબુ્રઆરીની શરૂઆતમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. બેંક અધિકારીઓના મતે, ''આ સામાન્ય હસ્તક્ષેપ નહોતા. આરબીઆઈએ મોટા પાયે હસ્તક્ષેપ કર્યો અને ઘટાડાને તોડી નાખ્યો, વ્યૂહરચના તોડી હતી અને બજારમાં બે તરફી ટ્રેડિંગ ફરી શરૂ કરાવ્યું હતુ.
હવે ફરીથી આવી જ પરિસ્થિતિ વિકસી રહી છે. રૂપિયો સતત ઘટી રહ્યો છે, તેથી બેંકિંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આરબીઆઈ ફરીથી આવી જ કડક કાર્યવાહી કરી શકે છે. જાહેર ક્ષેત્રની બેંકના સુત્રો એ એમ પણ કહ્યું કે બજારમાં આગામી સમયમાં વધુ ઘટાડાની અપેક્ષા છે તેથી આરબીઆઈ દ્વારા ભારે હસ્તક્ષેપની શક્યતા વધી ગઈ છે.


