રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું રાજસ્થાન, અવ્વલ ગુજરાતને પાછળ પાડ્યું
Investment In Solar and Wind Energy: સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ગુજરાતમાં હવે ધીમે ધીમે રોકાણ ઘટી રહ્યું છે. તાજેતરના આંકડાઓ અનુસાર, આ ક્ષેત્રે હવે રોકાણકારો ગુજરાતના બદલે રાજસ્થાનને પ્રાધાન્ય આપી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં રોકાણ મામલે રાજસ્થાન અવ્વલ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતને પાછળ પાડ્યા છે.
ગુજરાત કરતાં પણ વધુ રોકાણ રાજસ્થાનમાં
ભારતમાં નવી અને વર્તમાન પરિયોજના પર દેખરેખ રાખતી કંપની પ્રોજેક્ટ્સ ટૂડેના ત્રિમાસિક સર્વે રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક દરમિયાન રાજસ્થાનમાં 419 નવી પરિયોજનાઓ માટે રૂ. 2,69,391.46 કરોડનું કુલ રોકાણ નોંધાયુ છે. જે અન્ય રાજ્યોમાં સમાન ગાળામાં નોંધાયેલા રોકાણ કરતાં વધુ છે. ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન 459 નવી પરિયોજનાઓમાં રૂ. 2.1 લાખ કરોડનું રોકાણ થયુ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 684 પરિયોજનાઓમાં રૂ. 2.66 લાખ કરોડનું રોકાણ નોંધાયુ છે. ઉલ્લેખનીય છે કે, સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે નવી પરિયોજનાઓની સંખ્યાના મામલે મહારાષ્ટ્ર પ્રથમ અને ગુજરાત બીજા ક્રમે છે. જ્યારે રાજસ્થાન ત્રીજા ક્રમે છે.
આ પણ વાંચોઃ રો કોટનની આયાત પર 11 ટકા ડયૂટી નાબુદ કરાઈ
રાજસ્થાનમાં રોકાણ બમણુ થયું
દેશભરમાં સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે કુલ રોકાણ યોજનાઓ નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ ત્રિમાસિકમાં રૂ. 15.39 કરોડથી 13.1 ટકા વધી નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 17.41 લાખ કરોડ થઈ છે. જેમાં રાજસ્થાનમાં રોાકણ બમણુ 8.3 ટકાથી વધી 15.5 ટકા થયુ છે. ગત નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં રાજસ્થાન રોકાણ મામલે ચોથા ક્રમે હતું. ત્યારે રાજ્યમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ નોંધાયુ હતું. મહારાષ્ટ્રમાં (2.24 લાખ કરોડ), ગુજરાત (રૂ. 1.89 લાખ કરોડ), અને કર્ણાટક (1.58 લાખ કરોડ) ટોચના ત્રણ રાજ્યો હતાં. રાજસ્થાનની અર્થવ્યવસ્થા ખેતી, ખાણકામ અને પર્યટન પર આધારિત છે. છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 8 ટકાના દરે વધી રહી છે. આ રાજ્ય રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે. 2024ની શરૂાતથી ખાનગી રોકાણ સતત વધી રહ્યું છે.
વિકાસના મોરચે પછાત રાજ્યોમાં રોકાણ વધ્યું
દેશમાં વિકાસના મોરચે કુલ સરેરાશ કરતાં પછાત ગણાતા રાજ્યો બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વિવિધ ક્ષેત્રે વૃદ્ધિ નોંધાઈ રહી છે. આ રાજ્યોમાં ખાણકામ, નિકાસ, એમએસએમઈને પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ ઘડવામાં આવી છે. જેના લીધે સ્થાનિકની સાથે આંતરરાષ્ટ્રીય રોકાણ વધ્યું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન અને વિકાસ વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે.