Get The App

રો કોટનની આયાત પર 11 ટકા ડયૂટી નાબુદ કરાઈ

- અમેરિકા દ્વારા લાગુ કરાયેલ ટેરિફથી એમએસએમઈની લોન નબળી પડવાની ચિંતા પાછળ લોનની એનપીએ વર્ગીકૃત કરવા માટેના નિયમોને હળવા કરવા વિચારણા

- ટેરિફનો સામનો કરી રહેલા ટેકસટાઈલ ઉદ્યોગને ટેકો આપવા લેવાયેલો નિર્ણય

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
રો કોટનની આયાત પર 11 ટકા ડયૂટી નાબુદ કરાઈ 1 - image


મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરી દેવાઈ છે અને બીજી વધારાની ૨૫ ટકા તોળાઈ રહી છે જેને કારણે દેશના ટેકસટાઈલ સહિતના અનેક ક્ષેત્રોની નિકાસ પર ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખી સરકારે રો કોટનની આયાત પરની ૧૧ ટકા ડયૂટી ૩૦ સપ્ટેમ્બર સુધી નાબુદ કરી છે. બીજી તરફ યુએસ ટેરિફ વધારાથી રાહત આપવા માટે, કેન્દ્ર સરકાર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને આપવામાં આવેલી લોનના કિસ્સામાં નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)ના વર્ગીકરણનો સમયગાળો ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવાનો વિચારણા કરી રહી છે.

ડયુટીમાં મુક્તિને કારણે યાર્ન, ફેબ્રિક, ગારમેન્ટસ સહિતના ટેકસટાઈલ સેગમેન્ટને રાહત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે સરકારે ૧૯ ઓગસ્ટથી લાગુ થાય તે રીતે રો કોટન પરની ૧૧ ટકા ડયૂટી તથા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ ૩૦ સપ્ટેમ્બર સુધી નાબુદ કરી નાખ્યા છે. 

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી સહિતની વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી આયાત ડયૂટી દૂર કરવા માગણી થઈ રહી હતી. 

દેશના ટેકસટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા આ નાબુદી આવશ્યક હતી. નિકાસ માટે વૈશ્વિક ફરજપાલનના ધોરણનું પાલન કરવા ઊંચી ગુણવત્તાના રૂની ભારતના ટેકસટાઈલ  ઉદ્યોગને આવશ્યકતા રહે છે. 

ડયૂટી દૂર કરતા દેશમાં રૂના ભાવમાં ઘટાડો જોવા મળશે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીએ સરકારના આ પગલાંને આવકાર્યું છે.  દેશના મોટાભાગના વિસ્તારોમાં સારા ચોમાસાને પગલે  કપાસની ઉપજ ઊંચી રહેવાની આશા છે એમ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ)ના સુત્રોએ  તાજેકરમાં  જણાવ્યું હતું. ઓકટોબરથી શરૂ થનારી ૨૦૨૫-૨૬ની  નવી મોસમનું  રૂ ઉત્પાદન ૩૨૫-૩૩૦ લાખ ગાંસડી રહેવા ધારણાં છે. 

 ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયથી દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને અસર થવાની શકયતાને ધ્યાનમાં રાખી એમએસએમઈની લોનને નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં વર્ગીકૃત કરવાના હાલના નોન-પેમેન્ટના ૯૦ દિવસના ધોરણને બમણું કરી ૧૮૦ દિવસનું ધોરણ રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વિચારી રહી છે. આરબીઆઈની આ દરખાસ્ત દેશમાં નાણાંભીડ અનુભવતા એમએસએમઈ માટે રાહતરૂપ બની રહેશે એમ રિઝર્વ બેન્ક માની રહી છે.

દેશની નિકાસમાં એમએસએમઈનો હિસ્સો નોંધપાત્ર રહે છે.આ અગાઉ  પૂરી પડાયેલી લોન  ટેરિફને કારણે દબાણ હેઠળ આવી જવાની બેન્કોમાં ચિંતા ઊભી થઈ છે આ હકીકતને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ,સમયગાળો વધારવા વિચારી રહી છે.

એમએસએમઈની એસેટ કવોલિટી અત્યારસુધી સ્થિર છે, પરંતુ ટેરિફને કારણે  નિકાસ બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે, જે તેમની એસેટ કવોલિટી પર અસર કરશે.  દેશમાં કાર્યરત એમએસએમઈમાંથી ૪૮થી ૫૦ ટકા એમએસએમઈ નિકાસલક્ષી પ્રોડકટસનું ઉત્પાદન કરે છે. 

નાણાં વર્ષ ૨૦૨૦માં એમએસએમઈની કુલ લોનમાં ૧૧.૦૩ ટકા લોન નોન પરફોર્મિંગ એસેેટસ બની ગઈ હતી જે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૩.૫૯ ટકા પર આવી ગઈ હતી. હવે સ્થિતિ ફરી ગંભીર બનવાની બેન્કરોને ચિંતા સતાવી રહી છે.


Tags :