દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઉઠાવ્યા સવાલ
Raghuram Rajan on Indian Economy: ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ ત્રિમાસિકમાં 7.8 ટકાના દરે ગ્રોથ કરી રહી છે. જે છેલ્લા પાંચ ત્રિમાસિકની ટોચે છે. પરંતુ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ આંકડા પર પણ શંકા વ્યક્ત કરતાં ઊંડાણપૂર્વક વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવી છે.
રઘુરામ રાજને કહ્યું કે, મજબૂત ગ્રોથના આંકડા આવકારીએ છીએ, પણ તેની પાછળનું વાસ્તવિક કારણ પણ જાણવુ એટલું જ જરૂરી છે. જ્યારે પણ આંકડા વધે છે, ત્યારે આનંદ થવો સ્વાભાવિક છે. પણ સવાલ એ છે કે, શા કારણોસર આટલો ગ્રોથ નોંધાયો?
બે મોટી ચિંતા વ્યક્ત કરી
રાજને ભારતના ઈકોનોમી ગ્રોથ પર બે મોટી ચિંતા વ્યક્ત કરી છે. એક ખાનગી રોકાણમાં મંદી, બીજુ રોજગાર સર્જનમાં ઘટાડો. દેશના ટકાઉ વિકાસ માટે ખાનગી રોકાણ આવશ્યક છે. બીજુ દેશના વિકાસનો લાભ સામાન્ય પ્રજા સુધી પહોંચાડવામાં રોજગારી સર્જન મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતમાં મોંઘવારીની ગણતરી કરવાની રીત પણ સંપૂર્ણપણે રજૂ થઈ ન રહી હોવાનું પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, શું આપણે મોંઘવારીને યોગ્ય રીતે ગણી રહ્યા છીએ? જ્યારે અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરીએ ત્યારે ખબર પડે છે કે, તેમાં ઘણી મુશ્કેલી છે. કારણકે, વાસ્તવિક મોંઘવારીને સંપૂર્ણપણે રજૂ કરવામાં આવતી નથી. ક્યારેક તે આપણા માટે લાભદાયી હોય છે, તો ક્યારેક નુકસાનકારક.
મોંઘવારીના આ આંકડા હાલ રાહત આપી રહ્યા છે. આજે મોટાભાગનું રોકાણ સરકાર કરી રહી છે. પરંતુ ખાનગી રોકાણમાં ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 10-12 વર્ષથી ચિંતાનો વિષય બન્યો છે. આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. આ સવાલ દરેક અર્થશાસ્ત્રી માટે માથાનો દુઃખાવો બન્યો છે.
ગ્રામીણ માગ મજબૂત
રઘુરામ રાજને આગળ કહ્યું કે, તાજેતરમાં સારા પાકને કારણે ગ્રામીણ માંગ મજબૂત બની છે. જે અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતામાં ઘટાડો કરે છે. પરંતુ શહેરી વિસ્તારોમાં વપરાશ હજુ પણ નબળો છે. આપણને લાંબા ગાળાના ટકાઉ વપરાશની જરૂર છે. આ માટે રોજગારની ખાતરી હોવી જરૂરી છે. શહેરી પરિવારો આ બાબતને લઈને વધુ ચિંતિત છે. વિવિધ કંપનીઓમાં છટણીના અહેવાલ અવારનવાર જોવા મળી રહ્યા છે. આપણી અર્થવ્યવસ્થા જરૂરીયાત મુજબ સારી નોકરીઓનું સર્જન કરી રહી નથી.
ટ્રમ્પના ટેરિફની અસર મર્યાદિત
ટ્રમ્પ ટેરિફ પર રાજને કહ્યું કે, અમેરિકાની ટેરિફ નીતિની ભારત પર મર્યાદિત અસર રહેશે. પરંતુ આ અસર દરેક પર સમાન ધોરણે પડશે નહીં. ભારતથી અમેરિકામાં થતી આશરે 85 અબજ ડોલરની નિકાસમાંથી લગભગ 40 અબજ ડોલરનું મૂલ્ય ભારતમાં જ ઉમેરાય છે. જો આપણે ધારીએ કે નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો પણ ભારત લગભગ 40 અબજ ડોલર એટલે કે GDP ના લગભગ 1% ગુમાવશે. ટેક્સટાઈલ જેવા કેટલાક ક્ષેત્રો વધુ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણે આપણા વેપારીઓ અને કંપનીઓને અમેરિકન બજારમાં અમેરિકન પક્ષો સાથે લોબિંગ કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વર્તમાન યુએસ વહીવટીતંત્ર છૂટછાટો આપવા તૈયાર લાગે છે. જો આ ટેરિફ થોડા મહિના માટે રહેશે તો ભારતના GDP પર 0.2% થી 0.4% સુધી અસર થશે.