મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂપિયા ૧.૯૮ લાખ કરોડનો ઓલ ટાઈમ હાઈ નેટ પ્રોફિટ કર્યો છે. સતત ચોથા વર્ષમાં બેન્કોએ નફો દર્શાવ્યો હોવાનું નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવાયું હતું.
એસેટ કવોલિટીમાં સુધારો, તંદૂરસ્ત ધિરાણ વૃદ્ધિ તથા ઊંચી આવકના ટેકા સાથે બેન્કોના નફામાં વધારો થવા પામ્યો છે. એકંદર કાર્યકારી નફો રૂપિયા ૩.૨૧ લાખ કરોડ રહ્યો હતો જ્યારે નેટ પ્રોફિટ ૧૧.૧૦ ટકા વધી રૂપિયા ૧.૯૮ લાખ કરોડ જોવા મળ્યો છે. જે નવી ઐતિહાસિક સપાટી છે. ગત નાણાં વર્ષમાં બેન્કોએ સતત ચોથા વર્ષમાં નેટ નફો કર્યો છે.
૩૧મી માર્ચ ૨૦૨૬ના સમાપ્ત થયેલા વર્ષમાં બેન્કોનો એકંદર વેપાર વધી રૂપિયા ૨૮૩.૩૦ લાખ કરોડ રહ્યો છે જે વાર્ષિક ધોરણે ૧૨.૮૦ ટકા વધુ છે.
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં બેન્કોની એકંદર થાપણ ૧૦.૬૦ ટકા વધી રૂપિયા ૧૫૬.૩૦ લાખ કરોડ રહી હતી જ્યારે કુલ ધિરાણ ૧૫.૭૦ ટકા વધી રૂપિયા ૧૨૭ લાખ કરોડ રહ્યું હતું જે દેશના અર્થતંત્રમાં ધિરાણ માગમાં સ્થિરતા દર્શાવે છે.
બેન્કોના કામકાજમાં સુધારો ઝડપથી વિકસી રહેલા ભારતીય અર્થતંત્રની ધિરાણ માગને ટેકો પૂરો પાડવામાં બેન્કોની સ્થિતિસ્થાપકતા, સ્થિરતા તથા સંસ્થાકીય ક્ષમતામાં વધારો થયાનું દર્શાવે છે એવો નાણાં મંત્રાલય દ્વારા યાદીમાં દાવો કરાયો છે.
ગત નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ) ઘટી ૧.૯૩ ટકા અને નેટ એનપીએ ૦.૩૯ ટકા રહી હતી. જે તાણ હેઠળની એસેટસનું ઐતિહાસિક નીચુ સ્તર છે. નવી એનપીએની માત્રા પણ ઘટીને ૦.૭૦ ટકા પર આવી ગઈ હતી.


