ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા
- ઊંચા મૂલ્યાંકનોને કારણે પ્રાઈમરી માર્કેટ મારફત ઈક્વિટી વેચાણ માટે ધસારો

મુંબઈ : ભારતીય શેરબજારના ઈતિહાસમાં પહેલી જ વખત પ્રમોટરો, પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડસ તથા અન્ય પ્રારંભિક તબક્કાના રોકાણકારોએ પોતાના ઈક્વિટી હોલ્ડિંગનું વેચાણ કરી ૨૦૨૫માં રૂપિયા એક લાખ કરોડથી વધુની રકમ ઘરભેગી કરી છે.
વર્તમાન વર્ષમાં જાહેર ભરણાં મારફત અત્યારસુધીમાં ઊભા કરાયેલા અંદાજે રૂપિયા ૧.૭૫ લાખ કરોડમાંથી રૂપિયા ૧.૧૦ લાખ કરોડ અથવા તો ૬૨ ટકા જેટલી રકમ વર્તમાન હિસ્સેદારોના ખીસ્સામાં ગઈ છે જેમણે કંપનીઓમાંના પોતાના હિસ્સામાંથી આંશિક હિસ્સો જાહેર ભરણાં મારફત વેચ્યો છે. ગયા વર્ષે પણ પ્રમોટરોએ ઓફર ફોર સેલ મારફત રૂપિયા ૯૫૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે આઈપીઓની સંખ્યા ૧૮ વર્ષના ગાળા બાદ વર્તમાન વર્ષમાં પહેલી જ વખત ૧૦૦ના આંકને પાર કરી ગઈ છે.
સેકન્ડરી બજાર પાછળ પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોના વધેલા આકર્ષણને ધ્યાનમાં રાખી કંપનીના પ્રમોટરો તથા પીઈ રોકાણકારો ઓફર ફોર સેલ મારફત ઊંચા મૂલ્યાંકને પોતાના હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે.
૨૦૨૬નું કેલેન્ડર વર્ષ પણ જાહેર ભરણાંથી ભરેલું રહેવાના એંધાણ મળી રહ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પ્રમાણે આગામી વર્ષમાં આઈપીઓ લાવવા માટે ૮૮ કંપનીઓને બજાર નિયામકની પરવાનગી આ અગાઉ જ મળી ગઈ છે અને બીજી ૧૦૪ કંપનીઓની અરજી વિચારણા હેઠળ છે. આ ૧૯૦ જેટલી કંપનીઓ આગામી વર્ષમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂપિયા ૨.૫૦ લાખ કરોડથી વધુની રકમ ઊભી કરવા ઈરાદો ધરાવે છે.

