Business

ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો, જૂનમાં કેમ આટલા ભાવ ગગડ્યાં?

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
જૂન 2026માં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. MCX પર સોનું 10 ગ્રામ દીઠ 17,000 રૂપિયા અને ચાંદી 51,000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાના સંકેતોને કારણે આ ઘટાડો આવ્યો છે. રોકાણકારો હવે શેરબજાર તરફ વળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો, જૂનમાં કેમ આટલા ભાવ ગગડ્યાં?

Gold and Silver Price Drop June 2026: જે લોકોએ જૂન મહિના પહેલાં સોના કે ચાંદીમાં રોકાણ કર્યું હતું અથવા ખરીદી કરી હતી, તેમના માટે જૂન મહિનો ખુબ જ આંચકાજનક રહ્યો છે. આ મહિના દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઘટાડો જોવા મળ્યો છે. જો કે, કિંમતો તળિયે બેસી જતાં હવે ઘણા રોકાણકારો આ કિંમતી ધાતુઓમાં ફરીથી ખરીદી કરવા માટે દાવ લગાવી રહ્યા છે.

જૂન મહિનામાં સોના-ચાંદીમાં કેટલો ઘટાડો?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 17,000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે 29 મેથી અત્યાર સુધીમાં 10.36 ટકાનો ઘટાડો દર્શાવે છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે. જૂન મહિના દરમિયાન ચાંદી પ્રતિ કિલોગ્રામ 51,000 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે, એટલે કે તેમાં ટૂંક સમયમાં 18.56 ટકાનો તોતિંગ ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો, જાન્યુઆરી 2026 માં પોતાના ઓલ-ટાઇમ હાઈ લેવલથી સોનું અત્યાર સુધીમાં આશરે 29 ટકા તૂટીને 4,000 ડોલરના સ્તરની નીચે સરકી ગયું છે. જ્યારે ચાંદીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે અને તે હાલ 57 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

શા માટે આટલો મોટો કડાકો?
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને બંને દેશો વચ્ચે શાંતિ વાર્તા શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે યુદ્ધ વિરામ બાદ સોના-ચાંદીના ભાવમાં તેજીની આશા રાખવામાં આવતી હતી, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ બેંકના એક નિવેદને આખી બાજી પલટી નાખી. ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે સંકેત આપ્યા છે કે આ વર્ષે વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે. આ સંકેત અને આગામી મીટિંગમાં રેટ હાઇકની આશંકાને કારણે સોના અને ચાંદીના ભાવ સતત નીચે આવી રહ્યા છે.

આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે રોકાણકારોએ ઉપલા સ્તરોએથી સોના અને ચાંદીમાં ભારે પ્રોફિટ બુકિંગ કર્યું છે. રોકાણકારોએ હાલ પૂરતું સોના જેવા સેફ એસેટના બદલે શેરબજાર તરફ પોતાનું રોકાણ વધાર્યું છે, જેના કારણે સોના-ચાંદીના ભાવમાં આ ઘટાડો વધુ ઝડપી અને મોટો બન્યો છે.