Get The App

મલેશિયામાં પામતેલ ગબડતાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો

- ચીનના ઘાતક વાયરસે ફેલાવેલો વ્યાપક ગભરાટ

- ઘરઆંગણે પણ આયાતી ખાદ્યતેલોમાં હાજર તથા વાયદાઓ ગબડયા અધૂરામાં પુરું ઈન્ડોનેશિયાએ નિકાસ ટેક્સ ઘટાડતાં મલેશિયા સ્તબ્ધ

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
મલેશિયામાં પામતેલ ગબડતાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો 1 - image

મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં મંદી આગળ વધી હતી. જ્યારે  વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.  વિશ્વ બજારમાં  ખાદ્યતેલોના ભાવ વધુ ગબડયાના સમાચાર હતા.   મલેશિયામાં આજે  પામતેલનો વાયદો ગબડી ૨૭૬,૨૯૦, ૨૮૬ તથા ૨૮૧ પોઈન્ટ તૂટી જતાં ત્યાં  ૧૦ ટકાની મંદીની સર્કિટો  અમલી બનતાં વિશ્વ બજારના ખેલાડીઓ સત્બધ બની ગયાના સમાચાર હતા. ત્યાં આજે  પામ પ્રોડકટના ભાવ ૨૫ ડોલર ગબડયા હતા.

ભારતની માગ ત્યાં ઘટી છે   ઉપરાંત ચીનમાં કાતિલ  વાયરસનો  ઉપદ્રવ વધતાં ત્યાં  ચીનની નવી માગ પણ રુંધાઈ છે. આ ઉપરાંત  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ગબડતા તથા ઈન્ડોનેશિયાએનિકાસ  ટેક્સ ઘટાડતાં તેની અસર પણ મલેશિયાના પામતેલના બજાર પર આજે  ઝડપી મંદીની દેખાઈ હતી.  

ઈન્ડોનેશિયાએ ક્રૂડ પામ ઓઈલની નિકાસ પરનો ટેક્સ જે હાલ ટનના ૫૦ ડોલર છે  તે ઘટાડી ફેબુ્રઆરીથી ૧૮ ડોલર કરવાનો  નિર્ણય કર્યાના સમાચાર હતા.   દરમિયાન, મુંબઈ બજારમાં  આજે  ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૪૦ વાળા રૂ.૮૭૫  તથા જેએનપીટીના રૂ.૮૩૦ રહ્યા હતા.  રૂ.૮૨૫થી ૮૩૫માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા. દરમિયાન, વાયદા બજારમાં  આજે બેતરફી મોટી ઉછળકૂદ જોવા  મળી હતી.  

દરમિયાન, મલેશિયા પાછળ આજે અમેરિકાના બજારો પણ  ગબડતા જોવા મળ્યા હતા. ચીનના કાતિલ વાયરસનો ઉપદ્રવ વધતાં તેની અસર પણ વિશ્વના કૃષી બજારો પર જોવા મળી હતી. મલેશિયાની કરન્સી આજે ડોલર સામે નરમ રહી હતી. ત્યાંના પામતેલ બજારમાં આજે ભાવમાં  કડાકો બોલાતાં  એક દિવસીય આવા ભાવ ઘટાડામાં પાછલા ૧૧ વર્ષનો રેકોર્ડ  તૂટયાના સમાચાર હતા.  અમેરિકાના બજારોના ઓવરનાઈટ સમાચારમાં કોટન, સોયાબીન તથા સોયાખોળ વાયદાના ભાવ પણ તૂટયા હતા.

મુંબઈ હાજર બજારમાં  આજે સોયાતેલના ભાવ ગબડી ૧૦ કિલોના રૂ.૮૩૫ તથા  રિફા.ના રૂ.૮૬૫ રહ્યા હતા. જ્યારે વાયદા બજારમાં આજે  સોયાતેલ વાયદાના ભાવ  રૂ.૮૩૯.૮૦ ખુલ્યા પછી ભાવ નીચામાં રૂ.૮૨૩ તથા ઉંચામાં  રૂ.૮૬૫ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૮૫૧.૨૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૪૦ બોલાઈ રહ્યા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૫૦થી ૧૭૬૦ રહ્યા હતા.  ત્યાં આજે  કોટન વોશ્ડના ભાવ રૂ.૭૯૦થી ૭૯૫ જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૮૫૦ રહ્યા હતા.  સનફલાવરના ભાવ રૂ.૮૫૦ તથા રિફા.ના રૂ.૮૭૫ જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૯૦૦ તથા કોપરેલના રૂ.૧૩૮૦ વાળા રૂ.૧૩૯૦ રહ્યા હતા.  

દરમિયાન, ચીનના વાયરસની વૈશ્વિક અસર દેખાતી થતાં દિવેલમાં તથા એરંડામાં  નિકાસ વેપાર રુંઘાવાની શક્યતા વચ્ચે ભાવ ગબડતા રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે  દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.છ તૂટયા હતા જ્યારે મુંબઈ એરંડાના  હાજર ભાવ રૂ.૪૧૩૦ વાળા આજે રૂ.૪૧૦૦ બોલાઈ રહ્યા હતા. ભારતમાં ખાદ્યતેલો પરની આયાત જકાત ઘટાડાશે  એવી હવા તાજેતરમાં  ચગી હતી  પરંતુ દિલ્હીથી  વહેતા થયેલા નિર્દેશો મુજબ આવી વિચારણા હાલ તુરંત થઈ નથી.

Tags :