Get The App

પેલેડીયમમાં તેજી : 2500 ડોલરની ઉપર જતાં નવો ઈતિહાસ

- પ્લેટીનમ પણ ઉછળી ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું : સાઉથ આફ્રીકામાં ઉત્પાદન ઘટયું : યુએસમાં જોબલેસ કલેઈમ્સ ઘટતાં ડોલર ઉંચકાયો : પાઉન્ડ દબાણ હેઠળ

- સોના- ચાંદી તથા ડોલરના ભાવમાં આગેકૂચ

Updated: Jan 18th, 2020

GS TEAM

Google News
Google News
પેલેડીયમમાં તેજી : 2500 ડોલરની ઉપર જતાં નવો ઈતિહાસ 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવમાં સુધારો આગળ વધ્યો હતો. વિશ્વબજારના સમાચાર મજબૂતાઈ બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૧.૦૮થી ૭૧.૦૯ વાળા રૂ.૭૧.૧૧થી ૭૧.૧૨ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૫૫૬.૩૦ ડોલરવાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૧૫૫૯.૫૦થી ૧૫૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૧૮.૦૪ ડોલરવાળા વધી છેલ્લે ૧૮.૦૭થી ૧૮.૦૮ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૯૮૦૯ વાળા રૂ.૩૯૮૭૫ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૯૯૬૯ વાળા રૂ.૪૦૦૨૫ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૫૫૫ વાળા આજે રૂ.૪૬૬૦૦થી ૪૬૬૫૦ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવ આ ભાવથી રૂ.૯૫૦થી ૧૦૦૦ ઊંચા રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં વિક્રમી તેજી આગળ વધ્યાના સમાચાર મળ્યા હતા. પેલેડીયમના ભાવ વધુ ૭થી ૮ ટકા ઉછળી ઔંશના ૨૫૦૦ ડોલર કુદાવી ઉંચામાં ૨૫૩૮.૧૦થી ૨૫૩૮.૨૦ ડોલર રહ્યા પછી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ભાવ ૨૪૯૬.૧૦થી ૨૪૯૬.૨૦ ડોલર રહ્યા હતા. સપ્લાય ડેફીસીટ સામે ઓટો ઉત્પાદકોની માગ બજારમાં દેખાઈ હતી. સટોડીયાઓ પણ આક્રમક બન્યાની ચર્ચા હતી.

પેલેડીયમ પાછળ પ્લેટીનમના ભાવ પણ વધી ઔંશના ૧૦૨૬.૭૦, ૧૦૨૬.૮૦ ડોલર થઈ છેલ્લે ભાવ ૧૦૨૬.૦૦થી ૧૦૨૬.૧૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા જ્યારે પેલેડીયમના ભાવ ઉછળી રેકોર્ડ ટોચે પહોંચતા નવો ઈતિહાસ રચાયો છે. પેલેડીયમના ભાવમાં આ સપ્તાહમાં થયેલી ભાવ વૃધ્ધિ પાછલા ચાર વર્ષની સૌથી મોટી ભાવ વૃધ્ધિ મનાઈ રહી છે. 

આ મહિનામાં ભાવ ૨૦ ટકા વધી ગયા છે. બાર મહિનામાં ભાવ ૭૦ ટકા વધ્યા છે. સાઉથ આફ્રીકામાં ઉત્પાદન ઘટયું છે. અમેરિકાના હાઉસિંગ સ્ટાર્ટના આંકડા સારા આવ્યા છે. ત્યાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ ૧૦ હજાર ઘટી ૨ લાખ ૪ હજાર આવ્યા છે જેની અપેક્ષા ૨ લાખ ૧૬થી ૨૦ હજારની રખાતી હતી. અમેરિકા, મેક્સિકો તથા કેનેડાના ટ્રેડ કરારમાં બદલાવને મંજૂરી મળી હોવાના પણ સમાચાર મળ્યા હતા. ચીનમાં અર્થતંત્રનો વિકાસ દર ૨૦૧૯માં ઘટયો છે જે ૨૦૨૦માં ફરી ઉંચો જવાની શક્યતા છે. ત્યાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના આંકડા સારા આવ્યા છે. આના પગલે ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ છેલ્લે સપ્તાહના અંતે ૦.૮૦થી ૦.૮૫ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક સોનામાં વિકલી ભાવ ઘટાડામાં બે મહિનાનો રેકોર્ડ તૂટયો છે. બ્રિટનમાં રિટેલ સેલના આંકડા નબળા આવ્યા છે.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા છે. બ્રેન્ટક્રુડના ભાવ બેરલના જે વધી ૬૫ ડોલરની ઉપર ગયા હતા તે ઘટી છેલ્લે ૬૪.૮૫થી ૬૪.૯૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ૫૯ ડોલરની અંદર ઉતરી છેલ્લે ૫૮.૫૫થી ૫૮.૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા. ક્રુડતેલના ભાવ વિકલી ધોરણે સતત બે સપ્તાહથી માઈનસમાં રહ્યા છે. અમેરિકાના શેરબજારોમાં નવી ઉંચી ટોચે દેખાઈ છે. બ્રિટનમાં વ્યાજના દર ઘટાડાશે એવી આશાએ પાઉન્ડના ભાવ વિશ્વબજારમાં દબાણ હેઠળ રહ્યાના સમાચાર હતા.

Tags :