આર્થિક મંદીની ભયાનક અસર, ઓયો હોટેલ્સે કરી હજારો કર્મચારીઓની છટણી
ગ્રાહકોની ફરીયાદોનાં કારણે ઓયો હોટેલ્સની છબી ખરડાઇ
નવી દિલ્હી,11 જાન્યુઆરી 2020 શનિવાર
ભયાનક આર્થિક મંદીનો ભોગ બનેલી ઓયો હોટેલેએ ચીન અને ભારતમાં પોતાના હજારો કર્મચારીઓમાંથી છટણી કરી છે.જાણકારોનાં જણાવ્યા પ્રમાણે સોફ્ટબેંક દ્વારા સંચાલીત કંપની પર સંકટનાં વાદળો ઘેરાયા છે.
ઓયો હોટેલ માટે કામ કરનારા અન્ય કર્મચારીઓની નોકરી પણ જોખમમાં હોય તેવી આશંકા છે આ મામલાથી માહિતગાર એક સુત્રએ જણાવ્યું કે કંપનીનું ચીનનું પર્ફોરમન્સ જોઇને પાંચ ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો તો ભારતમાં 12 ટકા લોકોની છટણી થઇ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ઓયો હોટેલ્સનાં ચીનમાં લગભગ 12 હજાર કર્મચારીઓ હતા,તો ભારતમાં પણ 10 હજાર કર્મચારીઓ કામ કરતા હતાં,એવું કહેવામા આવે છે કે કંપની ત્રણ મહિનામાં વધુ 1200 લોકોની છટણી કરશે,ઓયો દ્વારા લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે કાર્ય કુશળતામાં કમીનાં કારણે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.
ઓયોનાં સેલ્સ,સપ્લાય અને ઓપરેશન વિભાગમાં સૌથી વધુ છટણી થઇ છે,એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ઓયોમાં ખાલી પદ પણ ભરાવાની આશા નથી.
કંપનીનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ટેક્નીકલ ડેવલપમેન્ટનાં કારણે કામ ઓછું થઇ ગયું છે,એટલા માટે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે, તેમણે જણાવ્યું કે બીજા વિભાગોમાં પણ લોકોને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
નોંધનિય છે કે ઓયોનો વૃધ્ધીદર સારો હતો પણ છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોની ફરીયાદોનાં કારણે તેની છબી ખરડાઇ છે, ગ્રાહકોની ફરીયાદ હતી કે આ હોટેલ ચેનનાં માલિકોનું વર્તન-વ્યવહાર સારો નથી.
સોફ્ટ બેંકએ પણ મોટી આશા સાથે તેમાં મુડી રોકાણ કર્યું છે, પરંતુ ખરાબ છબીનાં કારણે છેલ્લા નાણાકીય વર્ષમાં મોટું નુકસાન ભોગવવું પડ્યું છે, જે કર્મચારીઓની છટણી થઇ છે તેમનો વાર્ષિક પગાર 10થી 12 લાખ રૂપિયા છે.