Get The App

ઘઉંના વાવેતરમાં આવેલી ગતિથી એકંદર રવી વાવણી વિસ્તાર સંતોષજનક સ્તરે

- રાજસ્થાન તથા એમપીના ખેડૂતો દ્વારા ઘઉંની હાથ ધરાયેલી આક્રમક વાવણી

Updated: Nov 30th, 2019

GS TEAM

Google News
Google News
ઘઉંના વાવેતરમાં આવેલી ગતિથી એકંદર રવી વાવણી વિસ્તાર સંતોષજનક સ્તરે 1 - image

મુંબઈ, તા. 30 નવેમ્બર 2019, શનિવાર

વિતેલા સપ્તાહમાં રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં થયેલા વધારાને પગલે, વર્તમાન મોસમનું એકંદર રવી વાવેતર વધીને ૩૩૮.૨૦ લાખ હેકટર વિસ્તાર થયું છે જે ગઈ વેળાની મોસમના આ ગાળા સુધીમાં ૩૩૯.૭૪ લાખ હેકટર વિસ્તાર પર રહ્યું હતું. આમ રવી વાવેતર જે પ્રારંભમાં ધીમી ગતિએ રહ્યું હતું તેમાં હવે ગતિ જોવા મળી રહી છે. 

મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર ગઈ વેળા કરતા આ વર્ષે નોંધપાત્ર વધુ કર્યું છે જેને પરિણામે ઘઉંનો વાવેતર વિસ્તાર ગઈવેળાની રવી મોસમ દરમિયાન ૨૯ નવેમ્બર સુધીમાં ૧૪૧.૨૫ લાખ હેકટર રહ્યો હતો તે આ વર્ષે વધીને ૧૫૦.૭૪ લાખ હેકટર રહ્યો છે. 

કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ પ્રમાણે, કઠોળનું એકંદર વાવેતર હજુપણ ૧૦ ટકા ઓછું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષના આ સમયગાળા સુધીમાં ૯૯.૧૫ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ આ વર્ષે ૮૯.૨૩ લાખ હેકટર વિસ્તાર પર કઠોળનું વાવેતર પૂરું થયું છે. 

કઠોળમાં ચણાનું વાવેતર નવ ટકા જ્યારે મસુરનું ૧૩.૪૦ ટકા ઓછું જોવાઈ રહ્યું છે. અડદના વાવેતરમાં ૧૩ ટકા વધારો જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં કઠોળનું વાવેતર ઓછું થયું છે. 

કડધાન્યમાં જુવારના વાવણી વિસ્તારમાં ૧૦.૨૪ ટકા વધારો જોવાઈ રહ્યો છે જ્યારે મકાઈના વાવેતરમાં ૧૨ ટકા ઘટ રહી છે. તેલીબિયાંનું એકંદર વાવેતર ૫.૩૦ ટકા નીચું રહ્યું છે. તેલીબિયાંમાં રાયડા તથા સરસવનું વાવેતર ૫.૪૦ ટકા ઓછું રહ્યું છે. 

દરમિયાન દેશના જળાશયોમાં પાણીની સપાટીનું સ્તર નોંધપાત્ર ઊંચું છે. દેશના ૧૨૦ મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ૧૪૭.૦૨ બિલિયન ક્યુબિક મીટર રહ્યું છે જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ ૪૨ ટકા વધુ છે. 

Tags :