ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો, હોલસેલનો રૂ.8, રીટેલમાં 40 રૂપિયે કિલો, ઉત્પાદનમાં 14 ગણો વધારો
Onion Farmer : ડુંગળીની ખાસિયત એ છે કે તેની દરેક મુવમેન્ટ કોઈનેને કોઈને રડાવતી જાય છે. જો ડુંગળીના ભાવ વધે તો પ્રજાની આંખમાંથી આસુ પડે છે, અને ભાવ ઘટે તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો આંખમાંથી પાણી પડે છે. જો ચૂંટણી સમયે તેનો સંગ્રહ કરનારા બિન્દાસ્ત બને તો સત્તાધારી પક્ષને રોવાનો વારો આવે છે.
હાલમાં ડુંગળી માર્કેટમાં તેનું ઉત્પાદન કરતાં કિસાનોને રોવાનો વારો આવ્યો છે કેમકે ડુંગળીના હોલસેલમાં ભાવો સાવ જ તળીયે પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં જે ડુંગળી 40 રૂપિયે વેચાતી હતી તે હવે 7 રૂપિયે વેચાય છે. મુંબઇના મેટ્રો પોલીટન માર્કેટમાં આવતી ડુંગળી ફેબ્રુઆરીમાં 35થી 40 રૂપિયે કિલો હતી. જે આજે માત્ર 7થી 12 રૂપિયે કિલોમાં વેચાય છે.
ડુંગળીનું ઉત્પાદન કરતા કિસોનો માટે 2025નો પ્રારંભ કમનસીબી ભર્યો રહ્યો છે. જાન્યુઆરી 2025થી તૂટતી ડુંગળી આજકાલ સાવ તળીયે પહોંચી છે. એશિયામાં જ્યાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે મહારાષ્ટ્રના લાસલ ગામમાં 2025ની શરૂઆતમાં હોલસેલમાં ડુંગળીનો ભાવ 10થી 15 રૂપિયે કિલો હતો. જે આજે ઘટીને 8થી 10 રૂપિયે કિલો પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ડુંગળીના ભાવો 58 ટકા જેટલા તૂટ્યા છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને પીવા અને સિંચાઇ માટે મળશે નર્મદાનું પાણી, સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળી
ભારતના સત્તાવાળાઓ સતત ડુંગળીના ભાવની ચડ ઉતરનો સામનો કરતા આવ્યા છે. 1980,1998, 2010,2013, 2015 અને 2019માં ડુંગળીના ભાવોમાં નાટકીય ઢબે ઉછાળો જોવા મળ્યો હતો. લોકોને ના પરવડે એટલા ઉંચા ડુંગળીના ભાવો થાય ત્યારે લોકોમાં ઉહાપોહ થાય ત્યારે સરકારની આંખો ખુલે છે પરંતુ જ્યારે તેના ભાવ ભાવ તૂટે અને કિસાનોને રડવાનો વારો આવે ત્યારે સરકારની આંખો ભાગ્યેજ ખુલતી હોય છે. હાલમાં કિસાનોને રોવાનો વારો આવ્યો છે.
2019માં ડુંગળી 100 રૂપિયે કિલો વેચાતી હતી. પાઉભાજી બનાવનારા ડુંગળી મોંઘી હોવાથી તેની જગ્યાએ કોબીજનો ઉપયોગ કરતા હતા. ડુંગળીની સપ્લાય ચેન તૂટે છે ત્યારે છૂટક બજારોમાં ડુંગળીના ભાવ ઉછળે છે. હાલમાં ડુંગળી હોલસેલના બજારોમાં આવે છે કે તરતજ અન્ય કૃષિ બજારોમાં ઠાલવી દેવાય છે.
એક તરફ ડુંગળીના ઉત્પાદનમાં 14 ગણો વધારો થયો છે તો સામે છેડે તેના વપરાશમાં પણ વધારો થયો છે. પરંતુ હોલસેલમાં ડુંગળીના ભાવો તૂટતાં તેના છૂટક બજારના ભાવોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળતો.
કોમોડિટી ક્ષેત્રે જ્યારે સપ્લાય વધે છે ત્યારે તેની કિંમતમાં ઘટાડો થાય છે. પરંતુ ડુંગળીના ભાવ વધારા સાથે અન્ય મુદ્દાઓ પણ ગણત્રીમાં લેવાય છે. જેમકે સ્ટોરેજની ક્ષમતા, માર્કેટમાં ડિમાન્ડ સમજી ના શકવી અને ટ્રાન્સપોર્ટેશનની સવલતના ધાંધિયા વગેરેનો સમાવેશ થાય છે. કમનસીબી એ છે કે જે ડુંગળીના હોલસેલના ભાવ તૂટીને 8 રૂપિયા પર પહોંચ્યા છે તે છૂટક બજારમાં 40 રૂપિયે કિલો વેચાય છે.