Get The App

ઈતિહાસમાં પ્રથમ વાર રવિવારે શેરબજાર ખુલ્લુ રાખવા માટે NSEની વિચારણા

- બજેટની રજૂઆત ૧ ફેબ્રુઆરીએ થાય છે, આ દિવસે રવિવાર હોવાથી પ્રવર્તતી અટકળો

- અગાઉ ૧૯૯૯માં રવિવારે બજેટ રજૂ થયું હતું પરંતુ બજાર બંધ રહ્યું હતું

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
ઈતિહાસમાં પ્રથમ વાર રવિવારે શેરબજાર ખુલ્લુ રાખવા માટે NSEની વિચારણા 1 - image


અમદાવાદ : ભારત સહિત દુનિયાભરના શેરબજાર સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લા હોય છે પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત નેશનલ સ્ટોક એક્સચેન્જ રવિવારના રજાના દિવસે પણ શેરબજારને ખુલ્લુ રાખવા વિચારણા કરી રહ્યું છે. આ અજુગતા સંયોગ પાછળ કેન્દ્ર સરકારનું બજેટ જવાબદાર રહી શકે છે.

ભારતમાં બજેટ રવિવારે ક્યારેય ટ્રેડિંગ થયું નથી પરંતુ આ વખતે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રવિવાર હોવાથી આ દિવસે બજેટ રજૂ થશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર નેશનલ સ્ટોક એક્સચેન્જે સ્પષ્ટતા કરી છે કે તેઓ રવિવારે પણ શેરબજાર ખૂલ્લું રાખવા વિચારી રહ્યું છે, જેથી માર્કેટ બજેટની જાહેરાત પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે.

ભારતમાં સામાન્ય રીતે સપ્તાહના અંતિમ દિવસોમાં ટ્રેડિંગ બંધ રહે છે પરંતુ બજેટ દિવસના ઐતિહાસિક મહત્વ અને બજારની સંભવિત ભારે વધઘટને જોતાં એનએસઈ પ્રથમ વખત રવિવારે પણ ટ્રેડિંગ ખુલ્લું રાખવા વિચારી રહી છે.

એક અહેવાલ અનુસાર શેરબજાર ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ શનિવારના રોજ પણ ખુલી શકે છે. શું આનો સ્પષ્ટ અર્થ એ છે કે બજાર બંને રજાઓ પર ખુલશે? જોકે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ અધિકારીક નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તારીખ અને સંયોગને કારણે રોકાણકારો ઉત્સાહિત અને પ્રશ્નાર્થિત બંને છે.

આ વિચારણા કેન્દ્રિય બજેટ દરમિયાન કરવામાં આવેલી મોટી જાહેરાતો પર તાત્કાલિક ટ્રેડિંગ સુનિશ્ચિત કરવા માટે છે જેનાથી રોકાણકારોને તેમની વ્યૂહરચનાઓને તાત્કાલિક અમલમાં મૂકવાની વાસ્તવિક સમયની તક મળે. ટેક્સ સ્લેબ ફેરફાર, સરકારી ખર્ચ, ઉદ્યોગ પ્રોત્સાહનો અને ક્ષેત્રવાર ફાળવણી આ બધાની સીધી અસર શેરબજાર પર પડે છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભૂતકાળમાં કેન્દ્રીય બજેટ રવિવારે પણ રજૂ કરવામાં આવ્યું હતું. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ  રવિવારે તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષ એમ પણ તે મહત્વપૂર્ણ હતું કારણ કે બજેટની રજૂઆત પહેલીવાર સવારે ૧૧ વાગ્યે કરાઇ હતી. જે પહેલા સાંજે ૫ વાગે રજૂ કરાતું હતું. જો કે આ દિવસે શેરબજાર બંધ રહ્યું હતું.

હાલની અનિશ્ચિતતા વચ્ચે, અધિકારીઓ અપેક્ષા રાખે છે કે નાણા મંત્રાલય અથવા સંસદીય બાબતોનું મંત્રાલય ટૂંક સમયમાં સ્પષ્ટતા કરશે કે બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે કે તારીખ બદલાશે.

Tags :