Nasdaq અને હોંગકોંગ એક્સચેન્જને પછાડી NSE વિશ્વનું પાંચમું સૌથી મોટું લિસ્ટેડ એક્સચેન્જ બન્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NSE becomes world's fifth-largest listed exchange by market cap : ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ વૈશ્વિક સ્તરે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ શેરના ભાવમાં સતત તેજીને પગલે NSE માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું પાંચમું સૌથી મોટું લિસ્ટેડ એક્સચેન્જ બની ગયું છે. આ યાદીમાં તેણે હોંગકોંગ એક્સચેન્જ (HKEX) અને અમેરિકાના Nasdaq ને પણ પાછળ છોડી દીધા છે.
વૈશ્વિક રેન્કિંગમાં ટોપ-5માં સ્થાન
તાજેતરના માર્કેટ ડેટા મુજબ, NSE નું માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે 59.7 અબજ ડોલર (લગભગ ₹5.56 લાખ કરોડ) પર પહોંચી ગયું છે. આ સાથે તે 58.1 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતા HKEX અને 57.7 અબજ ડોલરના મૂલ્ય ધરાવતા Nasdaq કરતાં આગળ નીકળી ગયું છે. વૈશ્વિક રેન્કિંગમાં 111.05 અબજ ડોલર સાથે CME ગ્રુપ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ 95.5 અબજ ડોલર સાથે ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ બીજા, 65 અબજ ડોલર સાથે ડોઇશ બોર્સ (Deutsche Börse) ત્રીજા અને 60.3 અબજ ડોલર સાથે લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ ચોથા ક્રમે છે.
LIC અને કોટક બેંકને પછાડી ભારતની 9મી સૌથી મોટી કંપની બની
આ અહેવાલ લખાયો ત્યાં સુધીમાં NSE નો શેર ₹47.80 એટલે કે 2.18 ટકાના ઉછાળા સાથે ₹2,236.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ભાવે એક્સચેન્જનું માર્કેટ કેપ ₹5.56 લાખ કરોડ થયું છે, જેનાથી તે ભારતની નવમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. NSE એ ₹5 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કોટક મહિન્દ્રા બેંક તેમજ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ને પણ પાછળ છોડી દીધા છે. આ સાથે NSE દેશની બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ લિસ્ટેડ કંપનીઓની હરોળમાં સામેલ થઈ ગયું છે.
સપ્ટેમ્બરમાં થયું હતું શાનદાર લિસ્ટિંગ
આ સિદ્ધિ NSE ના શેરબજારમાં પ્રવેશના બે મહિના કરતાં પણ ઓછા સમયમાં મળી છે. 24 સપ્ટેમ્બરે BSE પર NSE નું બહુપ્રતિક્ષિત લિસ્ટિંગ થયું હતું. ₹1,785 ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 0.84 ટકાના પ્રીમિયમ સાથે ₹1,800 પર લિસ્ટ થયો હતો અને સત્ર દરમિયાન વધીને ₹1,876.70 સુધી પહોંચ્યો હતો. અગાઉ 17 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ખુલેલો ₹22,561 કરોડનો આ IPO કુલ 5.69 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતો.
વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ
વર્ષ 1992માં સ્થપાયેલા NSE એ 1994માં ભારતના પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્ટોક એક્સચેન્જ તરીકે કામગીરી શરૂ કરી હતી. આજે તે ઇક્વિટી, ડેટ, કરન્સી, કોમોડિટી અને ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સેવાઓ પૂરી પાડે છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના આંકડા મુજબ, ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ NSE વર્ષ 2025માં વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પણ રહ્યું હતું.




