UPI મુદ્દે NPCIની મોટી જાહેરાત : MDRના પૈસાથી નાના દુકાનદારો માટે બનશે ફંડ, બે મુખ્ય સુવિધા મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NPCI Launches Scheme For Small Merchants : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ દેશના નાના વેપારીઓ અને દુકાનદારોમાં ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે. 11 નવેમ્બર 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, NPCI એ તમામ UPI સભ્યો માટે 'UPI વ્યાપાર સક્ષમ યોજના' (UPI Vyapaar Saksham Scheme) રજૂ કરી છે. આ યોજના અંતર્ગત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માંથી થતી કમાણીનો 5 ટકા હિસ્સો એક સમર્પિત ફંડમાં જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ નાના દુકાનદારોને UPI સાથે જોડવા અને તેમના વ્યવહારો વધારવા માટે થશે.
કેવી રીતે બનશે ફંડ અને યોજનાનો સમયગાળો શું રહેશે?
પરિપત્રની જોગવાઈ મુજબ, UPI સિસ્ટમમાં સામેલ દરેક ઈશ્યુઈંગ બેંક, એક્વાયરિંગ બેંક, પેયર પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને UPI એપ્લિકેશન પ્રોવાઈડરે પાત્ર વ્યવહારો પર મેળવેલા તેમના MDRના હિસ્સામાંથી 5 ટકા રકમ આ ખાસ ફંડમાં જમા કરાવવાની રહેશે. જોકે, ઈન્ડસ્ટ્રી પ્રોગ્રામ્સ અને કેપિટલ માર્કેટ (મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, બ્રોકર અને ડીલર્સ)ના વ્યવહારોને આ ફંડ યોગદાનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ યોજના દેશમાં UPI MDR લાગુ થયાની તારીખથી 3 વર્ષ સુધી અમલમાં રહેશે, અને દર 6 મહિને તેની અસરકારકતાની સમીક્ષા કરવામાં આવશે.
સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

કયા વેપારીઓ અને કયા શહેરોને મળશે યોજનાનો લાભ?
NPCI ની વ્યાખ્યા મુજબ, પાછલા નાણાકીય વર્ષમાં જેમનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયા સુધીનું હોય તેવા તમામ નાના વેપારીઓ આ યોજના માટે પાત્ર ગણાશે. ભૌગોલિક રીતે આ યોજનામાં મુખ્યત્વે ટિયર-3 થી ટિયર-6 શહેરો, ઉત્તર-પૂર્વીય રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વેપારીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોકે, ટિયર-1 અને ટિયર-2 શહેરોના એવા નાના વેપારીઓને પણ આ યોજનાનો લાભ મળશે જેઓ 'પીએમ સ્વનિધિ' અને 'પીએમ વિશ્વકર્મા' જેવી કેન્દ્ર સરકારની સૂચિત યોજનાઓ હેઠળ આવરી લેવાયા હોય.
બે મુખ્ય સુવિધા… QR કોડ અને સાઉન્ડબોક્સ પર મળશે પ્રોત્સાહન
NPCIએ આ સમગ્ર ફંડને 3 અલગ-અલગ ઘટકોમાં વહેંચ્યું છે, જેમાં એક ઘટકનું ફંડ બીજા ઘટકમાં વાપરી શકાશે નહીં. પ્રથમ ઘટક હેઠળ નવા નાના વેપારીઓને જોડવા માટે કુલ ફંડના 30 ટકા રકમ ફાળવાઈ છે. આ અંતર્ગત એક્વાયરિંગ બેંકોને પ્રતિ ફિઝિકલ QR કોડ દીઠ 300 રૂપિયા અને પ્રતિ સાઉન્ડબોક્સ ડિવાઈસ દીઠ 750 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આ લાભ મેળવવા માટે નવા જોડાયેલા વેપારીએ ક્વાર્ટરના કોઈ પણ 2 મહિનામાં ઓછામાં ઓછા 25 પાત્ર વ્યવહારો અને દર મહિને ઓછામાં ઓછા 5,000 રૂપિયાના મૂલ્યના વ્યવહારો કરવા ફરજિયાત રહેશે.
ટ્રાન્ઝેક્શન ગ્રોથ પર મળશે વધારાનું ઈન્સેન્ટિવ
કુલ ફંડનો 50 ટકા હિસ્સો બીજા ઘટક એટલે કે ટ્રાન્ઝેક્શન ગ્રોથ માટે ફાળવવામાં આવ્યો છે. જે એક્વાયરિંગ બેંકો પાત્ર નાના વેપારીઓના વ્યવહારોમાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ઓછામાં ઓછો 5 ટકાનો વધારો જાળવી રાખશે, તેમને કુલ પાત્ર વ્યવહારોના મૂલ્ય પર 0.03 ટકા ઈન્સેન્ટિવ મળશે, અને ટાર્ગેટેડ વિસ્તારોના વેપારીઓ માટે આ બેઝ રેટ પર 50 ટકા વધારાનું ઈન્સેન્ટિવ ચૂકવાશે. આ ઉપરાંત, કુલ ફંડનો 20 ટકા હિસ્સો ત્રીજા ઘટક હેઠળ ટાર્ગેટેડ વિસ્તારોમાં વધારાની વૃદ્ધિ માટે રખાયો છે, જેમાં પાછલા ક્વાર્ટરની સરખામણીએ વધેલા વ્યવહારોના મૂલ્ય પર 0.03 ટકાના બેઝ ઈન્સેન્ટિવ ઉપર વધારાનું 0.20 ટકા ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
2,000 રૂપિયા સુધીના વ્યવહારો જ માન્ય, બિલના ભાગલા પાડવા પર પ્રતિબંધ
આ યોજના હેઠળ માત્ર 2,000 રૂપિયા કે તેથી ઓછા મૂલ્યના સફળ UPI વ્યવહારો (P2PM વ્યવહારો સહિત) જ 'પાત્ર વ્યવહાર' ગણાશે. રદ થયેલા, રિફંડ થયેલા કે રિવર્સ થયેલા વ્યવહારોને બાદ કરવામાં આવશે. NPCI એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વ્યવહારને 2,000 રૂપિયાની મર્યાદામાં રાખવા માટે જો કોઈ કૃત્રિમ રીતે પેમેન્ટના ભાગલા પાડશે, તો તેને કોઈ લાભ મળશે નહીં અને પેટર્ન એનાલિટિક્સ દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરાશે. ઉપરાંત, જે વેપારીએ નાબાર્ડ જેવી અન્ય કોઈ સંસ્થાકીય યોજના હેઠળ ડિવાઈસ માટે ફંડ મેળવ્યું હશે, તેના માટે બેવડો દાવો કરી શકાશે નહીં.
વાર્ષિક લક્ષ્યાંક અને ગણતરીના ઉદાહરણ
આ યોજના દ્વારા NPCIએ દર વર્ષે 60 લાખથી 1 કરોડ નવા ફિઝિકલ QR કોડ અને 5 લાખથી 10 લાખ નવા સાઉન્ડબોક્સ લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેનાથી હાલના નાના વેપારીઓના વ્યવહારોમાં 30 થી 50 ટકાનો વાર્ષિક વધારો થવાની અપેક્ષા છે. પરિપત્રમાં અપાયેલા ઉદાહરણ મુજબ, જો કોઈ બેંક 1,000 નવા વેપારીઓને જોડીને 1,000 QR કોડ અને 200 સાઉન્ડબોક્સ લગાવે, તો તેને 4,50,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે, 50 કરોડ રૂપિયાના વ્યવહારો પર બેઝ ઈન્સેન્ટિવ અને ટાર્ગેટેડ વિસ્તારના બોનસ સાથે 1,80,000 રૂપિયા તથા 10 કરોડના વધારાના ગ્રોથ પર 2,00,000 રૂપિયા સુધીનું ઈન્સેન્ટિવ મળી શકે છે.
ટેકનિકલ નિયમો, ઓડિટ અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા
યોજનામાં પારદર્શિતા જાળવવા માટે એક્વાયરિંગ બેંકોએ દરેક નાના વેપારી માટે તેમના મોબાઈલ નંબર પરથી 'યુનિક મર્ચન્ટ આઈડેન્ટિફાયર' (MIC) જનરેટ કરવો પડશે અને દુકાનનું ચોક્કસ જીઓ-લોકેશન (દુકાનથી 1 કિમીથી વધુ દૂર ન હોવું જોઈએ) રિપોર્ટ કરવું પડશે. જો કોઈ ડિવાઈસ 90 દિવસ સુધી નિષ્ક્રિય રહેશે, તો તેને બંધ ગણવામાં આવશે. ફંડનું યોગદાન દર ક્વાર્ટર પૂરો થયાના 15 દિવસમાં એકત્ર કરાશે, બેંકોએ ક્વાર્ટર પૂરો થયાના 30 દિવસમાં (ખાસ કિસ્સામાં વધુ 30 દિવસની છૂટ સાથે) ઓડિટ થયેલા દાવા રજૂ કરવાના રહેશે અને NPCI 30 દિવસમાં તેની પતાવટ કરશે. ખોટા કે ડુપ્લિકેટ દાવા કરનાર બેંકને યોજનામાંથી ગેરલાયક ઠેરવીને RBIના RTGS એકાઉન્ટમાંથી રકમ વસૂલવાની સત્તા પણ NPCI એ પોતાની પાસે રાખી છે, જ્યારે કોઈ પણ વિવાદના ઉકેલ માટે 2-સ્તરીય ફરિયાદ નિવારણ ફોરમ (30-30 કામકાજના દિવસોની સમયમર્યાદા સાથે) બનાવવામાં આવ્યું છે.




