Get The App

UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ 1 - image


UPI Transaction Limit New Rule : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)એ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બર-2025થી અમલમાં આવનારા નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની EMI ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી માત્ર 24 કલાકમાં કરી શકાશે.

અગાઉ એક લાખ સુધીની લિમિટ હતી

અગાઉ આવા ટ્રાન્ઝેક્શનો પર એક લાખ રૂપિયાની લિમિટ હતી, એટલે કે જો એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તે થઈ શકતું ન હતું, જોકે હવે નવા નિયમ મુજબ તેમાં વધારો કરાયો છે. હવે યુપીઆઇ દ્વારા ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન કરવા માટેની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખની લિમિટ કરવામાં આવી છે. આ નિર્ણય 15 સપ્ટેમ્બરની ટેક્સ ભરવાની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

નવો નિયમ માત્ર ‘પર્સન ટુ મર્ચન્ટ’ માટે લાગુ

આ ફેરફાર માત્ર વ્યક્તિ દ્વારા વેપારીને કરાતાં ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર લાગુ નહીં પડે. વ્યક્તિ માત્ર સીધું જ વેરિફાઇડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બૅંકો જેવી સંસ્થાઓ સામેલ છે. યુપીઆઇ દ્વારા વ્યક્તિથી વ્યક્તિને કરાતી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ એટલે કે એક લાખ રૂપિયા જ રહેશે.

આ પણ વાંચો : પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

નવા નિયમોની વધુ વિગતો

  • ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઇ અને બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન : હવે યુપીઆઇથી એક વખતમાં પાંચ લાખ રૂપિયાનું અને 24 કલાકની અંદર 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે.
  • વીમા અને કેપિટલ માર્કેટ : અગાઉ બે લાખ રૂપિયાની લિમિટ હતી, જે વધારીને એક વખતના ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ કરવામાં આવી છે.
  • ક્રેડિટ કાર્ડ બિલ : અગાઉ યુપીઆઇ દ્વારા બે લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાતું હતું, જોકે હવે તેમાં વધારો કરીને પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયાની લિમિટ કરવામાં આવી છે.
  • વિદેશી મુદ્રા અને FD : હવે ફોરેક્સ ખરીદી-વેચાણ અને ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની સુધીના ટ્રાન્ઝેક્શનની છૂટ મળશે.

15 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ

NPCI એ તમામ બૅંકો, એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આ નવા નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, બૅંકોને તેમની પોલિસી મુજબ અમુક લિમિટ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. તેથી એવી સંભાવના છે કે, કેટલાક કિસ્સાઓમાં આ નિયમો તાત્કાલિક લાગુ ન થાય, પરંતુ મોટાભાગની બૅંકો 15 સપ્ટેમ્બરથી આ ફેરફારને અમલમાં મૂકશે.

આ પણ વાંચો : દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંકડા

Tags :