NPCI Change Autopay System: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI ઓટોપે સિસ્ટમમાં સુધારા કરવામાં આવ્યા છે. યુઝર્સને પારદર્શિતા, કન્ટ્રોલ અને પ્રોટેક્શન મળી રહે એ માટે પેમેન્ટ સિસ્ટમમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ અપગ્રેડને સંપૂર્ણ રીતે 31 ડિસેમ્બર સુધીમાં અમલ કરવાનો રહેશે. ભારતમાં UPIનો ઉપયોગ કરનારા લાખો-કરોડો લોકો છે અને તેમને સરળતા રહે એ માટે સતત બદલાવ કરતાં રહેવામાં આવે છે. આ બદલાવને કારણે યુઝર્સ હવે એક જ જગ્યાએ તેના તમામ સબ્સ્ક્રિપ્શન અને ઓટોપે મેન્ડેટને જોઈ શકશે. ભલે તેના ઓટોપે અલગ-અલગ એપ્લિકેશન પર હોય તો પણ હવે તેને એક જ જગ્યાએ જોઈ શકાશે.
UPI ઓટોપે સિસ્ટમમાં શું બદલાવ કરવામાં આવ્યા?
NPCI દ્વારા UPIની મદદ માટે સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ પોર્ટલ upihelp.npci.org.in શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા યુઝર પોતાની ઓટોપે સિસ્ટમને જોઈ અને મેનેજ પણ કરી શકશે. કોઈ UPI ઓટોપે એક્ટિવ હશે તો એને કેન્સલ પણ કરી શકશે. કઈ UPI એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એનાથી કોઈ ફરક નહીં પડે. યુઝર્સ હવે એક UPIની જગ્યાએ અન્ય UPIનો ઉપયોગ પણ કરી શકશે. આથી હવે તેમના તમામ ડેટા જળવાઈ રહેશે અને તેમને ફરી ઓથોરાઇઝેશનની જરૂર નહીં પડે. એટલે કે એક UPI પરથી હવે અન્ય UPI પર શિફ્ટ સરળતાથી કરી શકાશે. આ સાથે જ પોર્ટલ પર કોઈ પણ વસ્તુ એક્સેસ કરવા માટે UPI પિન ઓથેન્ટિકેશનની જરૂર પડશે. આથી એની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાન્ઝેક્શન ઓટોપે રાખ્યું હોય તો હવે એને સવારે દસ વાગ્યા પહેલાં, બપોરે 1થી 5 વચ્ચે અને રાતે 9:30 પછી જ પૈસા કપાશે.
ફ્રોડ અને ડાર્ક પેટર્નથી સુરક્ષા
UPIમાં જે બદલાવ કરવામાં આવ્યો છે એમાં મેજર બદલાવ ફ્રોડ અને ડાર્ક પેટર્નને અટકાવવા માટે કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઘણી ડાર્ક પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે એનાથી યુઝર્સને UPI માટે રિકરિંગ ચાર્જિસ લાગે છે. જોકે નવી સિસ્ટમમાં યુઝરને EMIની માહિતી અને એમાંથી એક્ઝિટ થવા માટેનું વિકલ્પ દેખાડવામાં આવશે ત્યાર બાદ જ યુઝરને કોઈ પણ સબ્સ્ક્રિપ્શનમાં બાંધી શકાશે. અગાઉ UPIમાં કેટલીક ખામી હતી જેના કારણે એક્સિડેન્ટલ પેમેન્ટ થતાં હતાં. એના કારણે UPI યુઝર્સમાં થોડી ચિંતા જોવા મળી હતી. જોકે હવે નવી સિસ્ટમમાં એ તમામ સમસ્યાનું સમાધાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગૂગલ પિક્સેલમાં વિચિત્ર ખામી: ગેલેરીમાંથી ફોટો થઈ રહ્યાં છે ગાયબ, જાણો કેમ…
ટ્રાન્ઝેક્શનની ટાઇમલાઇન
UPIની દરેક એપ્લિકેશન અને દરેક પ્લેટફોર્મ દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં આ નવા પ્લેટફોર્મનો અમલ કરવું ફરજિયાત છે. હાલનાં જે ઓટોપે માટેની ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ એમની એમ રહેશે જ્યાં સુધી ટ્રાન્ઝેક્શન પૂરું નહીં થઈ જાય. યુઝરે હાલમાં કંઈ કરવાની જરૂર નથી. જો તેમણે એપ્લિકેશન બદલવી હોય અથવા તો સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવું હોય તો જ રીઓથોરાઇઝેશનની જરૂર પડશે.


