Google Pixel Bug: ગૂગલ પિક્સેલના યુઝર્સને તેમના મોબાઈલમાં એક વિચિત્ર ઘટના જોવા મળી રહી છે. તેમના મોબાઇલમાંથી ઓટોમેટિક ફોટો ગાયબ થઈ રહ્યાં છે. આ મોબાઇલમાં એક એવી ખામી આવી છે જે ફોટોને બરાબર સેવ નથી થવા દેતી. આ ઇશ્યુ સૌથી પહેલાં રેડિટ યુઝર બ્લેઝગેમરે રિપોર્ટ કર્યો હતો. તેના મોબાઇલ પર એક નોટિફિકેશન આવ્યું હતું કે કેટલાક ફોટો પ્રોસેસ થઈ રહ્યાં છે, પરંતુ ત્યાર બાદ એ મિસિંગ આવી રહ્યાં હતાં. અન્ય એક યુઝરે પણ કહ્યું હતું કે તેના ફોટો બેકઅપ અને પ્રોસેસિંગ લૂપમાં અટકી ગયા છે. એટલે કે તેને નથી મળી રહ્યાં.
કયા કયા મોડલને થઈ અસર?
આ ખામી કોઈ ફક્ત એક મોડલ માટે નથી, પરંતુ ઘણાં પિક્સેલ ડિવાઇસમાં જોવા મળી રહી છે. પિક્સેલ 8aથી લઈને 10 Pro સુધીના દરેક મોડલ પર એની અસર થઈ છે. હજી પણ એ વાતની કોઈ જાણકારી નથી કે આ ખામી કેવી રીતે યુઝર્સને અસર કરી રહી છે. જોકે ઘણાં યુઝર્સ આ વિશે રિપોર્ટ કરી રહ્યાં છે. આથી એ વાત ચોક્કસ છે કે ઘણાં યુઝર્સની ડિવાઇસમાં આ ખામી જોવા મળી છે અને તેમના ફોટો ડિલીટ થઈ રહ્યાં છે.
કોઈ પગલું નથી ભર્યું ગૂગલે
અત્યાર સુધી ગૂગલ દ્વારા આ વિશે કોઈ ઓફિશિયલ ફિક્સ જાહેર કરવામાં નથી આવી. ગૂગલ દ્વારા આ વિશે કોઈ કમેન્ટ પણ નથી કરવામાં આવી. એવું લાગી રહ્યું છે કે ઘણાં યુઝર્સ આ વિશે રિપોર્ટ કરશે ત્યારે ગૂગલ દ્વારા આ વિશે પગલું ભરવામાં આવશે અથવા તો એને ફિક્સ કરવામાં આવશે. ત્યાં સુધી યુઝર્સે તેમના ફોટોથી વંચિત રહેવું પડશે. તેમના ડેટા અન્ય મોબાઇલમાં હશે તો ત્યાં સ્ટોર કરવા પડશે પિક્સેલ ફોનમાં નહીં લઈ શકાશે.


