Get The App

GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં 1 - image


GST Rate: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિયિટરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે. અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ બુરી રીતે ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ 171માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે. 

જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે. જો કે, કેન્દ્ર સરાકરે કલમ 171(2)ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ 2025થી નિષ્ક્રિય કરી દીધી છે. છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી. તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહીં.

વેપારીના હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરાશે

સરકારે વેપારી આલમ પર વિશ્વાસ મૂક્યો છે. તેનો લાભ જનતાને મળશે તેવા વિશ્વાસને આધારે જ જીએસટીના રેટ ઘટાડ્યા છે. ડીલરો પણ ટેક્સ કોઈએ રાખવી ન જોઈએ. વેપારીઓ ઘટાડીને ચીજવસ્તુઓનું વેચાણ કરશે. વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે. તેમાં વેપારીના બે ચાર હિસાબો નહીં, પૂરે પૂરા હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં વસ્તુઓને મૂકી આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ચીજવસ્તુઓના ભાવ સીધા 7 ટકા ઘટી જશે તેવી માન્યતામાં ગ્રાહકોએ પણ રહેવું જોઈએ નહીં. 12 ટકા જીએસટીનો સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી ઘણી વસ્તુઓ પરના જીએસટીના દર ઘટીને 5 ટકા થયા છે. હવે આ વસ્તુના વર્તમાન ભાવમાંથી સીધા 7 ટકાની બાદબાકી કરીને તેની ઘટાડેલી કિંમત નક્કી કરી ચીજવસ્તુના નવા ઘટાડેલા ભાવ નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય છે. 

આ પણ વાંચો: US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજદર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે 

12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકા જીએસટીમાં જાય તો નવી ઘટાડેલી કિંમત નક્કી નીચે મુજબ કરી શકાશે 100 રૂપિયાની કિંમતની ચીજવસ્તુ પર 12 ટકા જીએસટી છે. સો ગુણ્યા બાર ભાગ્યા 112 કરતાં 10.71 રૂપિયાનો ઘટાડો આવશે. આમ 89.29 રૂપિયાની કિંમત શૂન્ય જીએસટી પર થશે. પરંતુ 12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકા જીએસટીના સ્લેબમાં આવી હોય તો તેના પર 5 ટકા જીએસટી ઉમેરવાનો આવે છે. 89.29 રૂપિયાની કિંમતની વસ્તુ પર 5 ટકા જીએસટી ઉમેરતા તેમાં 4.46 રૂપિયાનો ઉમેરો થાય છે. તેથી તેની બજારમાં વેચવાની કિંમત 93.75 રૂપિયાની થાય છે.

આમ 100 રૂપિયાના ભાવની અને 12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકાના સ્લેબમાં જાય તો તેના ભાવમાં 6.25નો ઘટાડો આવશે. ગ્રાહકોની ગણતરી મુજબ આ ઘટાડાડો 7 રૂપિયાનો આવવો જોઈએ તે સાચુ નથી. આ જ રીતે  100 રૂપિયાની કિંતની વસસ્તુ પર 12 ટકા જીએસટી લાગતો હતો તે વસ્તુને 18 ટકા જીએસટીમાં મૂકી દેવામાં આવી હોય તો તેને પરિણામે તેના ભાવમાં 6 ટકાનો નહીં, પરંતુ 5.39 રૂપિયાનો વધારો આવશે.

Tags :