Get The App

ચાલુ વર્ષ દરમ્યાન માત્ર ડુંગળી-બટાકા જ નહીં, 22 આવશ્યક ખાદ્ય ચીજોમાંથી 20માં ભાવવધારો

- ઘઉં અને ચોખાનો બમ્પર પાક હોવા છતાંય તેના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો

- ચાલુ વર્ષે ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો, ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ વધતા વિવિધ જણસના ભાવ વધ્યા : સરકાર

Updated: Dec 11th, 2019

GS TEAM

Google News
Google News
ચાલુ વર્ષ દરમ્યાન માત્ર ડુંગળી-બટાકા જ નહીં, 22 આવશ્યક ખાદ્ય ચીજોમાંથી 20માં ભાવવધારો 1 - image

નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2019, બુધવાર

ચાલુ વર્ષે ડુંગળી અને બટાકાના ભાવમાં જ વધારો થયો હોય તેમ નથી. ચાલુ વર્ષે ૨૨ આવશ્યક ખાદ્ય ચીજોમાંથી ૨૦ વસ્તુઓના ભાવમાં વધારો થવા પામ્યો છે તેમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું.ડુંગળી, બટાકાના ભાવમાં થયેલા વધારાના કારણે દેશભરમાં ઊહાપોહ થવા સાથે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવા પામ્યા છે. 

ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાયા હોવા છતાં આજ દિન સુધી ડુંગળીના ભાવ ઊંચા જ છે.

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે લોકસભામાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ડુંગળીના ભાવ વધવાની સાથોસાત ૨૨ આવશ્યક ખાદ્ય ચીજોમાંથી ૨૦ વસ્તુના ભાવમાં વધારો થવા પામ્યો છે. ચાલુ વર્ષના પ્રારંભથી અત્યાર સુધી ડુંગળીના ભાવ ચાર ગણા વધ્યા છે.

કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય દ્વારા આજે સંસદમાં ખાદ્ય ચીજોની માસિક સરેરાશ કિંમતની વિગતો રજૂ કરાઈ હતી. આ ડેટા જોતા માલુમ પડે છે કે માત્ર ડુંગળી અને બટાકા જ નહીં, બલ્કે તુવેર, અડદ અને મગની દાળના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

લોકસભાને માહિતી આપતા ગ્રાહક બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ વધી જતા ભાવમાં વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત, ખરાબ હવામાન, પરિવહન ખર્ચમાં વધારો, સંગ્રહનો અભાવ તેમજ કાળા બજારના કારણે પણ વિવિધ જણસોના ભાવમાં વધારો થયો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ડુંગળી ૧૮ રૂા. કિલો હતી જેનો ડિસેમ્બરમાં સરેરાશ ભાવ રૂ. ૮૧ જેટલો છે. અડદ દાળની કિંમત વધીને કિલો દીઠ રૂા. ૧૦૦ નજીક પહોંચી છે. જે સપ્તાહ અગાઉ રૂા. ૭૦/૭૨ હતી. તુવેર અને મગ દાળમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. જ્યારે બટાકાના ભાવમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે.

ઘઉં અને ચોખાનો બમ્પર પાક હોવા છતાંય તેના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો થવા પામ્યો છે. આમ, ચાલુ વર્ષે માત્ર ડુંગળી-બટાકા જ નહીં બલ્કે જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવા પામ્યો છે.

Tags :