ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ
Forbes List Of Cities By Number Of Billionaires: વિશ્વમાં ધનિકોની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક સ્તર પર માત્ર અબજોપતિની સંખ્યા જ 3000થી વધી છે. ફોર્બ્સે 2025માં વિશ્વના અબજોપતિની યાદી અને સૌથી વધુ અબજોપતિ ધરાવતા શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વિશ્વના 1/4 અબજોપતિ માત્ર 10 શહેરોમાં જ વસે છે. આ ટોપ-10 શહેરોમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે ભારતનું મુંબઈ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ભારતના 67 અબજોપતિની રહેવા માટેની પસંદગીનું સ્થળ મુંબઈ છે.
6 દેશોના 10 શહેરોમાં સૌથી વધુ ધનિકો
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, વિશ્વના 3028 અબજોપતિમાંથી 1/4 ધનિકો માત્ર છ દેશોના 10 શહેરોમાં વસે છે. જે મજબૂત બિઝનેસ ઈકો-સિસ્ટમ, રોકાણ સાનુકૂળ નીતિઓ અને સંપન્ન ઉદ્યોગોના કારણે ધન આકર્ષિત કરનારા શહેરો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં સૌથી વધુ ધનિકો વસે છે. અહીં કુલ 123 અબજોપતિ વસવાટ કરી રહ્યા છે. જેમની કુલ નેટવર્થ 759 અબજ ડોલર છે.
12 વર્ષથી અમેરિકાનો દબદબો
અમેરિકા લાંબા સમયથી ધનિકો માટે પસંદગીનો દેશ રહ્યો છે. જેમાં ન્યૂયોર્ક છેલ્લા 12 વર્ષથી ધનિકોની રહેવા માટેની પહેલી પસંદ રહ્યું છે. ન્યૂયોર્કમાં રહેતાં મોટાભાગના ધનિકો ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ અને રિટેલ બિઝનેસ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે, 2021માં ચીનનું બેઈજિંગ અગ્રણી બન્યું હતું.
આ પણ વાંચોઃ GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી
સૌથી વધુ ધનિકોની સંખ્યા ધરાવતું શહેર
ભારતનું એકમાત્ર શહેર સામેલ
આ યાદીમાં ભારતનું એકમાત્ર શહેર મુંબઈ પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યું છે. ગતવર્ષે મુંબઈ ચોથા ક્રમે હતું. પરંતુ આ વર્ષે છઠ્ઠા ક્રમે આવ્યું છે. મુંબઈમાં 349 અબજ ડોલરની કુલ નેટવર્થ ધરાવતા 67 અબજોપતિ વસે છે. ધનિકોની પસંદગીના સ્થળમાં મુંબઈ બાદ દિલ્હી અને બેંગ્લુરૂ અગ્રેસર છે.
મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનિક
દેશની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 114.8 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. 2025માં અબજોપતિની યાદીમાં મુંબઈથી છ નવા ધનિકો જોડાયા હતા. જેમાંથી ચાર તો માત્ર દોશી ફેમિલીમાંથી હતા. વારી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગ સાથે વિરેન દોશી, કિરીટ દોશી, પંકજ દોશી અને હિતેશ દોશી અબજોપતિની યાદીમાં સામેલ થયા હતા.