Get The App

GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી 1 - image


GST Tax Slab: કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં જીએસટીમાં મોટી રાહત આપી શકે છે. સરકાર રેટમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. જેથી ઘણી પ્રોડક્ટ્સ સસ્તી થવાની સંભાવના વધી છે. જે મધ્યમ અને ગરીબ વર્ગના ખિસ્સા પર બોજો ઘટાડશે. નાણા મંત્રાલય 12 ટકાનો જીએસટી સ્લેબ દૂર કરવા વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

જીએસટી કાઉન્સિલની આગામી યોજાનારી બેઠકમાં જીએસટીનો 12 ટકાનો સ્લેબ દૂર કરવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. હાલ ચર્ચા થઈ રહી છે કે, 12 ટકાનો સ્લેબ રાખવો કે, પછી તેમાં સામેલ મોટાભાગની પ્રોડક્ટ્સને 5 ટકાના સ્લેબમાં સામેલ કરવી. સામાન્ય લોકોની રોજિંદા જીવન જરૂરિયાતોની મોટાભાગની ચીજવસ્તુઓ આ સ્લેબમાં સામેલ છે. આ મહિને યોજાનારી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તેવા અહેવાલો મળ્યા છે.

શું છે મામલો?

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સફળતાને ગઈકાલે જ આઠ વર્ષ પૂરા થયા. છેલ્લા આઠ વર્ષમાં કેન્દ્ર સરકારનું જીએસટી કલેક્શન બમણાથી વધ્યું છે. નિષ્ણાતોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં જીએસટી મારફત સરકારને દરમહિને સરેરાશ 2 લાખ રૂપિયાથી વધુ કમાણી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ સુમેળ અને અનુકૂળ ટેક્સ સિસ્ટમ બનાવવા માટે જીએસટીમાં સતત ફેરફારો અને સુધારો કરી રહ્યું છે. હાલ તે 12 ટકાનો સ્લેબ દૂર કરવા પર વિચારી રહ્યું છે. તેમાં સામેલ પ્રોડક્ટ્સને 5 ટકાના સ્લેબમાં સામેલ કરવાની તૈયારી થઈ રહી છે. જેથી જૂતાં-ચપ્પલ, અમુક કપડાં અને ડેરી પ્રોડ્કટ્સ જેવી અનેક પ્રોડક્ટ્સ સસ્તી થઈ શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના મસ્કને ડિપોર્ટ કરવાના નિવેદનથી ટેસ્લાનો શેર કડડભૂસ, ઈલોનની સંપત્તિમાં 12.1 અબજ ડોલરનું ગાબડું

આ ચીજો મોંઘી થશે?

જીએસટી કાઉન્સિલ કાર, તમાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી ચીજોને જીએસટી રેટમાં સામેલ કરવા માગે છે. જેના પર ચર્ચાઓ અને ભલામણો પણ થઈ રહી છે. હાલ આ પ્રોડ્કટ્સ પર એક્સ્ટ્રા સેસ લાગે છે. જો તેના પર જીએસટી લાગુ કરવામાં આવે તો તેની કિંમતો વધશે.

જીએસટીના પાંચ રેટ સ્લેબ

કેન્દ્ર સરકાર હાલ પાંચ કેટેગરીમાં જીએસટી વસૂલી રહી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ પર 0 ટકા, મૂળભૂત જરૂરિયાતો પર 5 ટકા, ભૌતિક ચીજવસ્તુઓ માટે 12 ટકા, અને મોટાભાગની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર 18 ટકા જીએસટી લાગુ છે. આ સિવાય લકઝરી પ્રોડક્ટ્સ પર 28 ટકા ટેક્સ વસૂલે છે.

GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી 2 - image

Tags :