Get The App

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર!

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
Rule Change From 1st January 2026


(AI IMAGE)

Rule Change From 1st January 2026: નવા વર્ષ 2026ની શરુઆત સાથે જ આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશમાં પાંચ મોટા ફેરફારો અમલી બન્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લઈને મોંઘી કાર સુધી, જાણો આજના પાંચ મુખ્ય ફેરફારો વિશે.

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 111નો તોતિંગ વધારો

નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 111નો તોતિંગ વધારો ઝીંક્યો છે, જેના કારણે દિલ્હીમાં હવે સિલિન્ડરનો ભાવ રૂ. 1580.50થી વધીને રૂ. 1691.50 અને મુંબઈમાં રૂ. 1531.50થી વધીને રૂ. 1642.50 પર પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે એપ્રિલ 2025ના જૂના ભાવે જ ઉપલબ્ધ રહેશે, જેથી ગૃહિણીઓના બજેટમાં હાલ પૂરતી કોઈ વધારાની આર્થિક અસર જોવા મળશે નહીં.

2. હવાઈ મુસાફરી થઈ શકે છે સસ્તી (ATFમાં ઘટાડો)

હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. સરકારે વિમાનના ઇંધણ(ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત રૂ. 99,676થી ઘટીને હવે રૂ. 92,323 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ઇંધણ સસ્તું થવાને કારણે એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવ ઘટાડી શકે છે.

3. નવી કાર ખરીદવી હવે મોંઘી પડશે

જો તમે 2026માં નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને ઘણી દિગ્ગજ કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો છે.

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! 2 - image

આ પણ વાંચો: ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા

4. ઓસ્ટ્રેલિયામાં ભારતની 100% પ્રોડક્ટ્સ પર 'ઝીરો ટેરિફ'

વ્યાપાર ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર છે. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરારના 3 વર્ષ પૂર્ણ થતાં આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી ઓસ્ટ્રેલિયા ભારતથી નિકાસ થતી તમામ વસ્તુઓ પર ઝીરો ટેરિફ(કોઈ ટેક્સ નહીં) લાગુ કરી રહ્યું છે. આનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.

5. જાન્યુઆરીમાં બૅન્કો 8 દિવસ બંધ રહેશે

નવા વર્ષની શરુઆત સાથે જ બૅન્કિંગ કામકાજને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. RBIની યાદી મુજબ, જાન્યુઆરી 2026 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 16 દિવસ બૅન્કો બંધ રહેવાની છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કુલ 8 દિવસ બૅન્કોમાં કામકાજ બંધ રહેશે. જેમાં 4 રવિવાર અને બીજા-ચોથા એમ 2 શનિવાર ઉપરાંત ઉત્તરાયણ અને 26 જાન્યુઆરીના રોજ રજા રહેશે. જો કે, ઓનલાઇન બૅન્કિંગ સેવાઓ 24 કલાક ચાલુ રહેશે.

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! 3 - image