અમદાવાદ : નવો મોબાઇલ ફોન ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે ચાંદીના ભાવમાં જોવા મળી રહેલી વર્તમાન તેજી ચિંતાનો વિષય બની શકે છે. ૨૦૨૬માં મોબાઇલ હેન્ડસેટના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે. ચાંદીના વધતા ભાવ, નબળો રૂપિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા વધતા ખર્ચને કારણે ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે.
૨૦૨૫માં સ્માર્ટફોનમાં એઆઈ ફેસિલિટીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. તેના કારણે મેમરી ચિપ્સની અછત સર્જાઈ છે, જેના કારણે તેમની કિંમતોમાં સતત વધારો થયો છે. પ્રોસેસર અને સ્ટોરેજ કોમ્પોનેન્ટ પણ વધુ મોંઘા બન્યા છે, જેની સીધી અસર મોબાઇલ ફોનના એકંદર ખર્ચ પર પડી છે.
અગાઉ જે સુવિધાઓ પ્રીમિયમ માનવામાં આવતી હતી તે હવે લગભગ દરેક સ્માર્ટફોન માટે આવશ્યક છે. વધુમાં, ડોલર સામે રૂપિયો લગભગ ૬ ટકા ઘટયો છે. ભારત લગભગ ૯૦ ટકા મોબાઇલ ફોન પાર્ટ્સ આયાત કરે છે, તેથી નબળો રૂપિયો કંપનીઓ માટે ખર્ચમાં વધુ વધારો કરી રહ્યો છે.
વધુમાં, મોબાઇલ હેન્ડસેટમાં વપરાતા ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી કંપનીઓ વધેલા ખર્ચને પોતે જ શોષી રહી હતી અને નફામાં નુકશાની વેઠી રહી હતી પરંતુ ૨૦૨૬માં આ વ્યૂહરચના બદલાઈ શકે છે. નિષ્ણાતો માની રહ્યાં છે કે નવા વર્ષમાં કંપનીઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેના કારણે મોબાઇલ ફોનના ભાવમાં વધારો થઈ શકે છે.


