દિવાળી નહીં દશેરા પહેલાં જ GSTમાં રાહતની શક્યતા, સરકારને થશે રૂ.40 હજાર કરોડનું નુકસાન
New GST Rates: કેન્દ્ર સરકારની જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવાની ભેટ દિવાળી નહીં પણ દશેરામાં મળી શકે તેવી શક્યતાઓ જીએસટી કાઉન્સિલ દ્વારા વ્યક્ત થઈ છે. આ મામલે હાલ ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. જો ડ્રાફ્ટ સંપૂર્ણપણે યોગ્ય રહ્યો તો આગામી બેઠકમાં જ જીએસટીમાં સુધારો જાહેર કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠક 3-4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાની છે.
રાજ્યો સાથે ચર્ચા-વિચારણા પૂર્ણ
જીએસટી કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર કામગીરી શરુ થઈ ચૂકી છે. રાજ્યો સાથે આ મામલે ચર્ચા-વિચારણા પૂર્ણ થઈ છે. જેથી કેન્દ્ર સરકાર વિજયા દશમી (2 ઑક્ટોબર) સુધીમાં જીએસટીના નવા દરો રજૂ કરી શકે છે. જો પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ થઈ તો તેનો અમલ દશેરા સુધીમાં થઈ શકે છે. ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM)એ 20-21 ઑગસ્ટના રોજ દિલ્હી ખાતે જીએસટીમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ પર બેઠક કરી હતી. આ બેઠકમાં જીએસટી સ્લેબ ચારથી ઘટાડી બે કરવા મંજૂરી આપી હતી.
આ પણ વાંચોઃ Explainer: ભારતની સ્વદેશી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમની વિશેષતા જાણી ચોંકશો
જીએસટી સ્લેબ 5 ટકા અને 18 ટકા કરવાનો પ્રસ્તાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ દિવાળીએ પ્રજાને જીએસટીમાં રાહતની ભેટ આપવાનું વચન આપ્યું હતું. જેના ભાગરૂપે નાણા મંત્રાલયે જીએસટી સ્લેબ 5 ટકા અને 18 ટકા કરવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં લકઝરી ગુડ્સ પર 40 ટકા જીએસટીની પણ ભલામણ થઈ હતી. હાલ જીએસટીના ચાર સ્લેબ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા લાગુ છે. જેમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવા ભલામણ થઈ છે.
જીએસટી સ્લેબમાં આ રીતે થશે ફેરફાર
જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી 12 ટકા અને 28 ટકાના સ્લેબમાં સામેલ ચીજવસ્તુઓ અને સેવાઓને 5 ટકા અને 18 ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. જેમાં 12 ટકાના સ્લેબમાં સામેલ 99 ટકા ગુડ્સ એન્ડ સર્વિસને 5 ટકા જ્યારે 28 ટકાના સ્લેબમાં સામેલ 90 ટકા ચીજવસ્તુઓને 18 ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. આ પગલાંથી જીએસટી વધુ સુલભ બનશે તેમજ તેનું વ્યાપક નિયમન થઈ શકશે.
સરકારની તિજોરીને રૂ. 40000 કરોડનું નુકસાન
જીએસટીમાં સુધારાથી સરકારની તિજોરીને રૂ. 40000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે. ફિટમેન્ટ કમિટી આ ખાધની ભરપાઈ માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. કેન્દ્ર અને રાજ્યો બંને સાથે મળી આ સમસ્યાનો ઉકેલ લાવશે. પ્રસ્તાવિત જીએસટી સુધારાથી ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને પારદર્શક બનાવશે. વધુમાં સરકારને થતું આ નુકસાન ટૂંકાગાળાનું હોવાની શક્યતા ઘણા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.